જામનગરના વર્ષોથી દર બુધવારે ભરાતી ગુજરી બજાર બંધ : કોર્પોરેટરોની રજૂઆત બાદ લેવાયો નિર્ણય

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
જામનગરના વર્ષોથી દર બુધવારે ભરાતી ગુજરી બજાર બંધ : કોર્પોરેટરોની રજૂઆત બાદ લેવાયો   નિર્ણય 1 - image


Gujri Bazar in Jamnagar : જામનગર શહેરમાં મચ્છર નગર વિસ્તારમાં વર્ષોથી દર બુધવારે ગુજરી બજાર ભરાય છે, જે બજારમાં ટ્રાફિકની સમસ્યા રહે છે, સાથે સાથે ચિલઝડપ સહિતના પણ અનેક બનાવો બનતા હોવાથી સ્થાનિક કોર્પોરેટરોની રજૂઆતના અનુસંધાને આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરી બજાર બંધ કરાવવાનો નિર્ણય લેવાયો હતો.

 જામનગરના મચ્છર નગર વિસ્તારમાં દર બુધવારે ભરાતી ગુજરી બજારને લઈને સ્થાનિક રહેવાસીઓને અવરજવર માટે ખૂબ જ હાલાકી વેઠવી પડે છે, અને દર બુધવારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત માલસામાન ચીજ વસ્તુની ખરીદી કરવા માટે આવનારા લોકોને જેમાં ખાસ કરીને મહિલાઓને રોકડ રકમ, પર્સ, મોબાઈલ ફોન, સોના ચાંદીના દાગીના વગેરેની ચીલ ઝડપના પણ અનેક કિસ્સાઓ વારંવાર બનતા હોય છે.

 જે તમામ મુદ્દે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 ભાજપના ચારેય કોર્પોરેટરો દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, અને ઉપરોક્ત ગુજરી બજારને બંધ કરવાની માંગણી કરાઈ હતી.

 જેના અનુસંધાને કમિશનરના આદેશથી એસ્ટેટ શાખાની ટુકડી બનાવના સ્થળે વહેલી સવારે જ પહોંચી ગઈ હતી, અને અંદાજે 100 થી વધુ રેકડી-પથારાવાળા, ફેરિયાઓ વગેરેને બેસવા દીધા ન હતા, અને ગુજરી બજાર સંપૂર્ણ પણે બંધ કરાવાઇ છે. જેને લઈને નાના ધંધાર્થીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો.


Google NewsGoogle News