કૃષિમંત્રી રાઘવજી પટેલની રજૂઆતો બાદ સરકાર દ્વારા સૌની યોજનાના માધ્યમથી જામનગરના જળાશયોમાં નવી જળ રાશીની આવક શરૂ કરાઈ

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
કૃષિમંત્રી રાઘવજી પટેલની રજૂઆતો બાદ સરકાર દ્વારા સૌની યોજનાના માધ્યમથી જામનગરના જળાશયોમાં નવી જળ રાશીની આવક શરૂ કરાઈ 1 - image


- વરસાદ ખેંચાવાના કારણે પૂર્ણ સપાટીએ ભરાયેલ ન હોય તેવા વિવિધ ડેમોને પણ નર્મદાનાં નીર વડે ભરવાનું આયોજન હાથ ધરાયુ

જામનગર,તા.27 સપ્ટેમ્બર 2023,બુધવાર

સરદાર સરોવર ડેમમાંથી દરીયામાં વહી જતાં નર્મદાનાં નીરને જામનગર જિલ્લામાં સૌની યોજનાના માધ્યમથી પાણી મળી રહે તે માટે કૃષિમંત્રી રાઘવજી પટેલે રાજ્યના નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠો અને કલ્પસર વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાને વિશેષરૂપે કરેલ ભલામણનો સ્વીકાર કરી કુંવરજી બાવાળીયાએ જામનગર જિલ્લાના વિવિધ ડેમો તથા ચેકડેમોમાં પૂરતા પ્રમાણમાં જળ પુરવઠો ઠાલાવવાની મંજૂરી આપતાં જિલ્લાના જળાશયોને મહત્તમ જળ રાશી પ્રાપ્ત થઈ રહી છે.

જેના કારણે સૌની યોજનાની લિંક-1 મારફત મચ્છુ-2 ડેમથી પંપીંગ કરી આજી-3 પંપીંગ સ્ટેશન, ઉંડ-1 ડેમ ખાતેના પંપીંગ સ્ટેશન તથા પીપરટોડા પંપીંગ સ્ટેશન મારફત જામનગર જિલ્લાના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન સસોઈ ડેમમાં પાણી ઠાલવીને સસોઈ ડેમને 100% પૂર્ણ સપાટીએ ભરવામાં આવેલ છે તથા સમગ્ર જામનગર જિલ્લામાં સૌની યોજનાની લિંક-1, પેકેજ-૩ મારફત જોડાયેલા વિવિધ ગામોના ચેકડેમો જેવા કે લૈયારા, સણોસરા, ગઢડા, જાબીડા, હડમતીયા, સુમરા, પીપરટોડાના 17 જેટલા ચેકડેમો તથા લિંક-1 ના પેકેજ-4 મારફત  ચંદ્રગઢ, ઢાંઢા, મકવાણા, લાવડીયાના કુલ 15 ચેકડેમો તથા લિંક-1 ના પેકેજ-5 મારફત આરીખાણા, હરીપર, પીપળી તથા રંગમતી ડેમની ઉપરવાસના કુલ 11 ચેકડેમોને નર્મદાનાં નીરથી છલકાવવામાં આવેલ છે. સૌની યોજનાની લિંક-3 મારફત કાલાવડ તાલુકાના ઉંડ-4 અને ઉંડ-3 ડેમ ભરવાની શરૂઆત કરેલ છે તથા વિવિધ ગામો જેવા કે સરવાણીયા, જાલણસર, અરલા, છતર, આણંદપર, ચારણ પીપળીયા, પીપર, કોઠા-ભાડુકીયાના કુલ 29 ચેકડેમો અને તળાવો ભરવામાં આવેલ છે. આગામી સમયમાં લિંક-1 મારફત પંપીંગ કરી ઉંડ-2 ડેમ, પન્ના ડેમ, રંગમતી ડેમ તથા સૌની યોજના મારફત જોડાયેલ તથા હાલમાં વરસાદ ખેંચાવાના કારણે પૂર્ણ સપાટીએ ભરાયેલ ન હોય તેવા વિવિધ ચેકડેમો તથા ડેમોને નર્મદાનાં નીર વડે ભરવાનું પણ આયોજન હાથ ધરાયેલ છે.


Google NewsGoogle News