પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા લોકો માટે મકરસંક્રાંતિ પર્વ પર સલામતી જાળવવા માર્ગદર્શિકા
જામનગર,તા.12 જાન્યુઆરી 2024,શુક્રવાર
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, જામનગરના અધિક્ષક ઈજનેર વાય.આર. જાડેજાએ જાહેર જનતાને મકરસંક્રાંતિના પવિત્ર પર્વની સલામતીપૂર્વક ઉજવણી માટે પતંગ ઉડાડતી વખતે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા અપીલ કરી છે.
પતંગનો માંજો બનાવતી વખતે વીજવાહક પદાર્થ ન વાપરવો તથા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતી અને વીજવાહક મટીરીયલ્સનો ઉપયોગ થતો હોય તેવી પતંગો (જર્મન સિલ્વર પતંગ) બાળકો ન ચગાવે તેનું ધ્યાન રાખીએ.
આપના બાળકો પતંગ કે તેના દોરા વીજવાયર કે વીજ થાંભલામાં ભરાય ત્યારે તેને ખેંચે નહીં, પતંગને વીજ થાંભલા પર ચડીને ન કાઢે તેમજ લંગરીયા ન નાખે તેની તકેદારી રાખીએ.
પતંગ ચગાવતી વખતે બાળકો મેગ્નેટીક ટેપનો ઉપયોગ પુંછડી કે દોરીમાં બીલકુલ ન કરે તેનું ધ્યાન રાખીએ કેમ કે મેગ્નેટીક ટેપ વીજવાહક હોવાથી વીજવાયરને અડકે તો આપણા બાળકને વીજશોક લાગે અને અકસ્માત થાય તેમજ અગાસી પર પતંગ ચગાવતી વખતે નજીકમાંથી પસાર થતી વીજલાઈનના સંપર્કમાં ન આવી જવાય તેની તકેદારી રાખીએ.
વીજવાયરમાં ફસાયેલા પતંગને બાળકો વાંસના બામ્બૂ કે લોખંડના સળીયા અથવા અન્ય કોઈપણ પ્રકારના સાધનો દ્વારા કાઢવાનો પ્રયત્ન ન કરે તેની તકેદારી રાખીએ.
ચાઈનીઝ બનાવટના દોરામાં મેગ્નેટીક વીજવાહક પદાર્થ વપરાયેલો હોય છે તો આવા દોરા બિલકુલ ન વપરાય તેનું ધ્યાન રાખીએ.
રાત્રિના અંધારામાં ફાનસ, ગુબારો વીજવાયરોમાં ન ફસાય તે અંગે કાળજી લેવી.