જામનગર શહેર અને જિલ્લામાં ધીમે ધીમે ઠંડીના પગરવ

Updated: Nov 2nd, 2021


Google NewsGoogle News
જામનગર શહેર અને જિલ્લામાં ધીમે ધીમે ઠંડીના પગરવ 1 - image


- બપોરે ગરમી- રાત્રે ઠંડી અને પરોઢિયે ઝાકળ સહિતની મિશ્ર ઋતુનો અનુભવ

જામનગર,તા.2 નવેમ્બર 2021,મંગળવાર 

જામનગર શહેર અને જિલ્લામાં દિવાળીના તહેવારોની સાથે સાથે ઠંડીના પણ પગરવ થઈ ગયા છે, અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. સાથે સાથે બપોરે તડકો અને વહેલી સવારે ઝાકળ સહિત મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

જામનગર શહેર અને જિલ્લામાં ચોમાસાએ મોડી વિદાય લીધા પછી ધીમે ધીમે ઠંડીનો પ્રારંભ થઇ ગયો છે. અને મોડી સાંજથી જ ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉષ્ણતામાનનો પારો ધીમે ધીમે નીચે ઊતરી રહ્યો છે, જેના કારણે મોડી સાંજથી વહેલી સવાર સુધી ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. સાથોસાથ વહેલી સવારે ભેજનું પ્રમાણ વધી ગયું હોવાથી ઝાકળ ભીની સવાર જોવા મળી રહી છે. જો કે બપોર દરમિયાન ઉષ્ણતામાનનો પારો ફરીથી ઉપર ચડી જતો હોવાથી આકરા તાપનો પણ અનુભવ થતાં મિશ્ર ઋતુ જોવા મળી રહી છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 73 ટકા રહયું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 10 થી 15 કી.મી.ની ઝડપે રહી હતી.


Google NewsGoogle News