જામનગરના એરફોર્સ-1માં જવાનના મકાનમાંથી રૂપિયા બે લાખની કિંમતના સાત તોલા સોનાના દાગીનાની ચોરી
image : Freepik
- મકાનનું તાળુ તૂટ્યા વિના જ ચોરી થઈ: ઘરમાં કામ કરવા આવતી કામવાળી સામે શંકાની સોઈ: પોલીસ દ્વારા સઘન તપાસ
જામનગર,તા.25 નવેમ્બર 2023,શનિવાર
જામનગરના એરફોર્સ -1 માં રહેતા એરફોર્સના એક કર્મચારીના બંધ રહેણાંક મકાનમાંથી રૂપિયા બે લાખની કિંમતના સાત તોલા સોનાના દાગીનાની ચોરી થઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. મકાનનું તાળું તૂટ્યા વિના ચોરી થઈ હોવાથી ઘરમાં કામ કરવા માટે આવતી કામવાળી પર શંકાની સોઈ દર્શાવી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.
ચોરીના આ બનાવની વિગત એવી છે કે જામનગર નાએરપોર્ટ-1માં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા એરફોર્સના કર્મચારી સુભાષકુમાર સુરેશચંદ્ર દોહરીએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના ઘરમાંથી રૂપિયા બે લાખની કિંમતના સાત તોલા સોનાના દાગીનાની ચોરી થઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં શકદાર તરીકે પોતાના ઘરમાં કામ કરવા માટે આવતી પૂનમબેન નામની કામવાળી સામે શંકાની સોઈ દર્શાવાઈ છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન એરફોર્સના કર્મચારી સુભાષકુમાર દોહરી કે જેના મકાનનું તાળુ તૂટ્યા વિના આ ચોરી થઈ હોવાથી ઘરની કોઈ વ્યક્તિનું કારસ્તાન હોવાનું અનુમાન લગાવાયું છે. એરફોર્સના કર્મચારી દ્વારા પોતાના મકાનને તાળું મારીને દરવાજાની બહાર રાખવામાં આવતા બુટની અંદર ચાવી રાખવામાં આવે છે જે ચાવી અંગેની એકમાત્ર કામવાળીને જાણકારી હોવાથી તેને મોકાનો લાભ લઇ રૂપિયા બે લાખની કિંમતના દાગીનાની ચોરી કરી લીધી હોવાનું અનુમાન લગાવાયું છે. જેના અનુસંધાને પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી કામવાળી મહિલા પુનમબેનને પૂછપરછ માટે બોલાવવા અને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.