જામનગર નજીક બેડની નદીમાં આત્મહત્યા કરવા માટે આવેલી તરૂણીને પોલીસે બચાવીને વાલીને સુપ્રત કરી
Jamnagar : જામનગર નજીક બેડની નદીમાં આત્મહત્યા કરવા માટે આવેલી એક તરૂણીને સિક્કા પોલીસની ટુકડીએ સમજાવટ કરીને બચાવી લીધી છે, જયારે તેણીનું કાઉન્સેલિંગ કર્યા પછી તેના માતા-પિતાને બોલાવીને સુપ્રત કરી દીધી છે. અને ફરીથી આવા વિચારો ન કરે, તે બાબતેની સમજ આપી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક બેડ વિસ્તારમાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ ટુકડી પીઆઈના માર્ગદર્શન હેઠળ નવરાત્રીના અનુસંધાને પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન તેઓને બેડની નદીના કાંઠે એક તરૂણી નદીમાં ઝંપલાવી આપઘાત કરવાની તૈયારી કરતાં જોવા મળી હતી. જેથી તુરતજ પોલીસ ટુકડીએ તેણીને બચાવી લીધી હતી, અને સિક્કા પોલીસ મથકે લઈ આવ્યા પછી તેણીનું કાઉન્સેલિંગ કર્યું હતું.
સૌપ્રથમ પોતે પોતાનું નામ સરનામું અથવા તો પરિવારની વિગત આપતી ન હતી, અને આત્મહત્યા કરી લેવાનો પ્લાન કર્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસ ટુકડીની સમજાવટ પછી આખરે તેણી સહમત થઈ હતી, અને પોતાના માતા પિતા વગેરેના નંબર આપ્યા હતા.
જેથી પોલીસે તરૂણીના વાલીએ જેઓ મોટી ખાવડીમાં રહે છે, તેઓને બોલાવી લીધા હતા, અને સમજાવટ કર્યા પછી તેમજ જરૂરી સમજ આપ્યા પછી તરુણીનો કબજો તેના વાલીને શોપિં આપ્યો હતો. પોતાના પિતાએ ઠપકો આપ્યો હોવાથી પોતાની જિંદગીનો અંત લાવી દેવા માટે ઘર છોડી દીધું હોવાનું અને બેડની નદીમાં આપઘાત કરવા માટે આવી હોવાનું કબુલ્યું હતું, પરંતુ પોલીસની સમજાવટના કારણે એક માનવ જિંદગી બચી ગઈ છે.