જામજોધપુરના સમાણા ગામમાં શ્રમિક યુવતીએ ભૂલથી ઝેરી દવા પી લેતાં બેશુદ્ધ બન્યા પછી અપમૃત્યુ
જામનગર,તા.3 જાન્યુઆરી 2023,બુધવાર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતી એક શ્રમિક યુવતીએ માથાના દુ:ખાવાની દવાને બદલે ભૂલથી ઝેરી દવા પી લેતાં વિપરિત અસર થયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતા વલ્લભભાઈ પટેલની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી ભારતીબેન પ્રેમજીભાઈ મગોળ નામની 18 વર્ષની પરપ્રાંતીય શ્રમક યુવતીને ગત 28મી તારીખે માથાનો દુખાવો ઉપડ્યો હોવાથી ભૂલથી ઝેરી દવા પી લીધી હતી. આથી તેણીને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના પિતા પ્રેમજીભાઈ રાયસીંગભાઈ આદિવાસીએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.