જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં ધર્મ મિત્રો મંડળ દ્વારા સતત 23માં વર્ષે ગણપતિ ઉત્સવનું આયોજન

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં ધર્મ મિત્રો મંડળ દ્વારા સતત 23માં વર્ષે ગણપતિ ઉત્સવનું આયોજન 1 - image


- ભગવાન ગણેશજીના દસ દિવસના વિવિધ લગ્ન પ્રસંગોની ઝાંખી ઉભી કરી દસ દિવસિય લગ્ન ઉત્સવનું આયોજન

જામનગર,તા.20 સપ્ટેમ્બર 2023,બુધવાર

છોટી કાશીના ઉપર નામથી પ્રચલિત દેવાલયોની નગરીમાં ગણેશ મહોત્સવની પણ ભારે આસ્થા પૂર્વક ઉજવણી થાય છે, અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં એક દિવસથી 11 દિવસ સુધીના ગણપતિ મહોત્સવની ઉજવણી થાય છે. જેના ભાગરૂપે કડિયાવાડ વિસ્તારમાં આવેલા ધર્મ મિત્ર મંડળ દ્વારા સતત 23માં વર્ષે પણ સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, અને પ્રતિ વર્ષ અલગ અલગ ગણેશમહોત્સવ યોજાય છે. જેના ભાગરૂપે આ વખતે ભગવાન ગણેશજીના લગ્ન સમારોહના અલગ અલગ 10 દિવસ માટેના 10 પ્રસંગો તૈયાર કરવામાં આવ્યા છે, અને પ્રત્યેક દિવસે અલગ અલગ ઉત્સવની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં ધર્મ મિત્રો મંડળ દ્વારા સતત 23માં વર્ષે ગણપતિ ઉત્સવનું આયોજન 2 - image

જે ઉત્સવની ઉજવણીના ભાગરૂપે સાર્વજન ધર્મ મિત્ર મંડળ આયોજિત સાર્વજનિક ગણેશ મહોત્સવમાં સૌપ્રથમ ગણપતિના શુભ લગ્નના પ્રતિદિન પ્રસંગો તૈયાર કરાયા છે. જેના ભાગરૂપે પ્રથમ દિવસે એટલે કે 19.9.2023ના દિવસે શ્રી ગણપતિજી દ્વારા માતા પાર્વતી તથા પિતા શિવજીની પ્રદક્ષિણા કરવામાં આવી હતી, અને ભગવાન ગણેશજીનો માતા-પિતા શિવ પાર્વતીજીને પ્રદક્ષિણા કરતો પ્રસંગ તૈયાર કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ 20.9.2023 ના દિવસે ગણપતિજીની શ્રીફળ (સગાઈ) વિધિ નો સમારાહ યોજાયો છે. ત્યારબાદ તારીખ 21 ના રોજ ગણપતિજીના શુભ લગ્ન લખવાનું મુહૂર્ત અને તેમને લગતી ઝાંખી ઊભી કરાશે. જયારે તારીખ 22.9.2023 ના દિવસે ભગવાન ગણેશજીનો માંડવો સંગાથ વરરાજાની શાન સાથેનું મંડપ મુહૂર્ત કરવામાં આવશે.

ત્યારબાદ 23.9.2023 ના દિવસે ગણપતિજીના મામેરાની વિધિ કરવામાં આવશે. ત્યારબાદ 24.9.2023 ના દિવસે ગણપતિજીની પીઠી તેમજ સાંજીના ગીતો ગવાશે. ત્યારબાદ તારીખ 25.9.2023 ના દિવસે ગણપતિજી જાનનું પ્રસ્થાન કે જેમાં પહેરીશું શુટ અને સાફા, વટ પાડીશું શ્રી ગણપતિજીની જાનમાં! અને સૌ ભાવિકો ગણપતિ બાપાની જાનમાં જોડાશે અને જાન પ્રસ્થાનની વિધિની ઝાંખી તૈયાર કરાશે.

ત્યારબાદ તારીખ 26.9.2023 ના દિવસે ભગવાન ગણપતિજીની શુભ લગ્ન વિધિનો સમારોહ યોજાશે. ત્યારબાદ તારીખ 27.9.2023 ના દિવસે લગ્નના મંગળફેરાની વિધિ કરવામાં આવશે, અને આખરે તારીખ 28.9.2023 ના દિવસે ભગવાન ગણપતિજીની જાન વિદાયનો સમારોહ પણ યોજાશે.

ઉપરોક્ત તમામ ધાર્મિક પ્રસંગોમાં જામનગરની જનતાએ ઉપસ્થિત રહેવા ધર્મ મિત્ર મંડળ-કડીયાવાડ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે.


Google NewsGoogle News