Get The App

લાલપુરમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડાથી દોડધામ

- પોલીસને જોઇને બે જુગારીયા શખ્સો ભાગવા જતાં એકનો પગ ભાંગ્યો: સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

Updated: Oct 31st, 2021


Google NewsGoogle News
લાલપુરમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડાથી દોડધામ 1 - image


જામનગર, તા. 31 ઓક્ટોબર 2021 રવિવાર

જામનગર જિલ્લાના લાલપુરમાં એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર ગઇકાલે મોડી સાંજે પોલીસે દરોડો પાડતાં નાસભાગ થઈ હતી, અને બે જુગારીયા શખ્સો પોલીસને જોઇને મેડી પરથી છલાંગ લગાવી ભાગવા જતાં એકનો પગ ભાંગ્યો છે, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. જેના પગમાં પ્લાસ્ટર આવ્યું છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર રહેતા પિન્ટુભાઈ ચંદુભાઇ નંદાસણાં નામના શખ્સના રહેણાંક મકાનમાં બહાર ગામના લોકોને એકત્ર કરીને જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે, તે ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે સાંજે લાલપુર પોલીસે દરોડો પાડ્યો હતો.

જે દરોડા દરમિયાન પ્રથમ માળે જુગારીયા તત્વો એકત્ર થઇને ગંજીપાનાનો જુગાર રમી રહ્યા હતા. પોલીસની એન્ટ્રી જોઈને તેઓમાં ભારે નાસભાગ થઈ હતી, અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામના વતની કેસુરભાઈ ધીરાભાઈ બેરા અને ભાણવડના મોરજર ગામના છગનભાઈ નામના બે શખ્સો પ્રથમ માળ ની મેડી પરથી છલાંગ લગાવીને ભાગવાનો પ્રયત્ન કરતા હતા.

જે દરમિયાન કેસુરભાઈએ ઝંપલાવ્યા પછી તેનો પગ ભાંગ્યો હતો. જેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને તેના પગમાં પ્લાસ્ટર આવેલું છે. જોકે તેને ખંભાળિયાની હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત ભાણવડ તાલુકાના મોરજર ગામ નો છગનભાઈ નામનો એક શખ્સ છલાંગ લગાવીને ભાગી છૂટવામાં સફળ થયો હતો. જેને આ દરોડામાં પોલીસે ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

પોલીસે મકાનમાલિક પિન્ટુભાઈ ચંદુભાઇ નંદાસણાં, આ ઉપરાંત કમલેશ દેવાણદ ભાઈ નંદાસના, ભરતભાઈ વેજાભાઇ કરંગીયા, અને મગનભાઈ છગનભાઈ ઓડેદરા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 47,220ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.


Google NewsGoogle News