જામજોધપુર નજીક સીદસરમાં આવેલા ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સાથે રૂપિયા 18.36 લાખની છેતરપિંડી

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
જામજોધપુર નજીક સીદસરમાં આવેલા ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સાથે રૂપિયા 18.36 લાખની છેતરપિંડી 1 - image


- રાજકોટના એક વેપારી તેમજ મહિલા સહિતના 6 શખ્સોએ પૂજા કરવાના બહાને સોનાની 82 નંગ હૂંડી મેળવ્યા પછી પરત કર્યા વિના રફુ ચક્કર થઈ ગયા

 - જામજોધપુર પોલીસે મહિલા સહિતના છ આરોપીઓ સામે ગુન્હો નોંધ્યો: તપાસનો દોર રાજકોટ સુધી લાંબાવ્યો

જામનગર,તા.01 માર્ચ 2024,શુક્રવાર 

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરે પૂજા કરવાના બહાને અને કાયમી ટ્રસ્ટી બનવા માટે આવેલા રાજકોટના એક બિઝનેસમેન તથા મહિલા સહિતના અન્ય પાંચ લોકોએ મંદિરમાંથી રૂપિયા 18.36 લાખની હૂંડી પૂજા માટે મેળવી લીધા પછી પરત નહીં કરી રફુચક્કર થઈ જતાં મંદિરના ટ્રસ્ટ દ્વારા તમામ છ આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવાઇ છે. જે મામલે જામજોધપુર પોલીસે તપાસનો દોર રાજકોટ તરફ લંબાવ્યો છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં આવેલા શ્રી ઉમિયાજી માતાજીના મંદિરમાં ગત 27મી તારીખે રાજકોટથી ભરતભાઈ રણછોડભાઈ નામના વ્યક્તિ કે જેઓ રાજકોટના બિઝનેસમેન છે, અને ઉમિયા માતાજીના ટ્રસ્ટમાં 25 લાખની રકમ જમા કરાવીને કાયમી ટ્રસ્ટી બનવા માંગે છે. તેમજ પોતાના પરિવારના કલ્યાણ માટે ધજા ચડાવવા માંગે છે, તેવું કારણ જણાવ્યું હતું. અને રાજકોટના અન્ય એક ટ્રસ્ટીનો ફોન કરાવી વીશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ ભારત કણસાગરા અને તેની સાથે આવેલી એક મહિલા સહિતના કુલ છ શખ્સોએ પૂજા કરવાના બહાને ટ્રસ્ટી પાસેથી સોનાની 82 હુંડી મેળવી લીધી હતી, અને પૂજા કરવાનું જણાવી હૂંડી લઈને તમામ છ શખ્સો લાપતા બની ગયા હતા. લાંબો સમય સુધી પરત નહીં આવતા ટ્રસ્ટી દ્વારા ટેલીફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો, જે દરમિયાન તેમના પરિવારજનો ઉપલેટામાં ફસાઈ ગયા છે, અને લેવા પહોંચ્યા છે. તેમ જણાવી સમય કાઢયે રાખ્યો હતો. બે ત્રણ વખત ફોનમાં સંપર્ક કરાયા બાદ તેઓનો મોબાઇલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. તેથી મંદિરના અન્ય ટ્રસ્ટીઓને બોલાવી લેવામાં આવ્યા હતા, અને મંદિર ટ્રસ્ટ સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ બનાવને જામજોધપુર પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ટ્રસ્ટી ભરતભાઈ ગોવિંદભાઈ માકડીયાની ફરિયાદના આધારે રાજકોટના ભરત રણછોડભાઈ કણસાગરા (45 વર્ષ) ઉપરાંત તેની સાથે આવેલી એક મહિલા તથા ચાર પુરુષો સહિત કુલ છ આરોપીઓ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે, અને પોલીસે તપાસનો રાજકોટ સુધી લંબાવ્યો છે.


Google NewsGoogle News