જામનગરના રાજપાર્ક વિસ્તારમાં કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં પતિ પત્ની અને બે બાળકીઓ સહિત ચાર વ્યક્તિ ઘાયલ
જામનગરમાં રાજપાર્ક વિસ્તારમાંથી બાઈક પર પસાર થઈ રહેલા એક દંપતિ અને તેણીની બે બાળકીને એક કાર ચાલકે ઠોકરે ચડાવ્યા હતા, અને ચારેયને ઇજા થઈ હોવાથી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. પોલીસે કારચાલક સામે ગુનો નોધ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રંગમતી સોસાયટી પ્લોટ નંબર ૧૦૦, મકાન નંબર -૪ માં રહેતા સંજયભાઈ દામજીભાઈ કણજારીયા ભાઈબીજ ના તહેવારના દિવસે પોતાના બાઈક પર પત્ની ચેતનાબેન તથા બે બાળકીઓ જાહ્નવી તેમજ રુચા ને બેસાડીને રાજપાર્ક રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન પુરપાટ વેગે આવી રહેલી જીજે ત્રણ સી.એ ૩૧૪૩ નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં પતિ પત્ની અને બે બાળકી સહિત એક જ પરિવારના ચારેય સભ્યો ઇજાગ્રસ્ત બન્યા હતા, અને તમામને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતના બનાવવા અંગે સંજયભાઈ દામજીભાઈ કણજારીયા એ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે નાસી છુટેલા કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.