જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને વધુ સુસજજ બનાવવા માટેના નવા ચાર વાહનો આવી પહોંચ્યા
- બે મિનિ ફાયર રેસ્ક્યુ વેન તેમ જ બે ફાયર કમાન્ડિંગ કાર ની સુવિધા પ્રાપ્ત થઈ: ક્રેઇન સહિત ત્રણ વાહનો આવકમાં
જામનગર,તા.23 ફેબ્રુઆરી 2023,ગુરૂવાર
જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ તંત્રને વધુ સુસજ્જ બનાવવા માટે જામનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે, અને પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ હેઠળ નવા સાત વાહનો રૂપિયા સાડા ત્રણ કરોડના ખર્ચે ખરીદવામાં આવી રહ્યા છે, જે પૈકીના બે રેસક્યુ વેન અને બે કમાન્ડિંગ કાર સહિતના ચાર વાહનોની આજે જામનગરપાલિકાના ફાયર બ્રિગેડ માં એન્ટ્રી થઈ ગઈ છે. જ્યારે એક ક્રેઇન સહિતના અન્ય ત્રણ વાહનોની રાહ જોવાઈ રહી છે.
જામનગર શહેરના નાના મોટા શેરી ગલી સહિતના વિસ્તારોમાં ફાયર શાખાની ટુકડીને ઝડપભેર પહોંચાડવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવા અત્યાધુનિક એવા બે મીની રેસ્ક્યુ વેન કે જે બોલેરોમાં બનાવાયેલા છે, જેમાં ફાયરના જરૂરી સાધનોની કીટ લગાવાયેલી છે, અને ફાયરનો સ્ટાફ તુરંત પહોંચીને તરત બચાવ અને રાહતની કામગીરી કરી શકે, તે પ્રકારે ની સુવિધા યુક્ત વાહનો જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાને પ્રાપ્ત થયા છે.
ઉપરાંત બે પાયલોટિંગ કાર સાથેના વાહનો પણ ઉપલબ્ધ કરાવાયા છે, જેમાં ડ્રાઇવર સહિત પાંચ ફાયરના જવાનો બેસીને તુરંત ઘટના સ્થળે પહોંચી શકે, તેવા સુવિધા યુક્ત વાહનોની પણ ફાયર શાખામાં એન્ટ્રી થઈ છે.
નવ હજાર લિટરની પાણીની કેપીસીટી સાથેનું અન્ય એક વેન તથા ક્રેઇન સહિતના અન્ય ત્રણ વાહનોનો ઓર્ડર અપાઇ ચૂક્યો છે, અને તે અધ્યાધુનિક વાહનો પણ ટૂંક સમયમાં જામનગર આવી પહોંચશે, જેથી જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ તંત્રને સમયસર અને ગીચ વિસ્તારમાં પણ રેસ્ક્યુ કામગીરી કરવામાં સરળતા રહે, તેવી સુવિધાઓ પ્રાપ્ત કરી દેવામાં આવી રહી છે.