જામજોધપુરના અનુસૂચિત જાતિના યુવાન પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલનાર ચાર વ્યાજખોરો સામે એસ્ટ્રોસીટી અને મનીલેન્ડર્સ એકટ હેઠળ ગુનો નોંધાયો
જામનગર,તા.22 માર્ચ 2024,શુક્રવાર
જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા અનુસૂચિત જાતિના યુવાનને ઉંચા વ્યાજે નાણા આપ્યા પછી ગેરકાયદે મોટું વ્યાજ વસુલી અને માર મારવા અંગે તેમજ જાતિ પ્રત્યે અપમાનિત કરવા અંગે ધ્રાફાના 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા વિવેક નારણભાઈ વિંઝુડા નામના 31 વર્ષના અનુસૂચિત જાતિના યુવાને પોતાને માર મારી પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલવા અંગે તેમજ પોતાને સમાજમાં હલકા પાડવા માટે હડધુત કરવા અંગે ધ્રાફા ગામના પાર્થરાજ ઉર્ફે લાલુભા કાંતુભા જાડેજા અને તેના ત્રણ સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીએ અગાઉ આરોપી પાસેથી 10,000 વ્યાજે લીધા હતા, જેનું દર અઠવાડિયે 1,000 જેટલું જંગી વ્યાજ વસૂલવામાં આવતું હતું.
જે અનેક ગણું વ્યાજ વસુલી લીધા પછી ગઈકાલે આરોપી પાર્થરાજ તેના અન્ય ત્રણ સાગરીતો સાથે ધોકા-પાઈપ જેવા હથીયાર લઈને આવ્યો હતો, અને હુમલો કરી દઈ પૈસાની ઉઘરાણી કરી હતી, તેમજ અનુસૂચિત જ્ઞાતીના હોવાથી અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. પોલીસે ચારેય આરોપીઓ સામે મને લેન્ડર્સ એક્ટ તેમજ એસ્ટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.