જામનગર-લાલપુર અને સિક્કામાં તસ્કરોનો પડાવ: ચોરીના ચાર કિસ્સા
- જામનગરમાં એક રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરો રૂપિયા અડધા લાખના ઘરેણા ઉઠાવી ગયા
- જામનગર શહેર-લાલપુર અને સિક્કામાંથી બે મોટરસાયકલ તેમજ એક મોબાઇલ ફોનની ચોરી થઈ ગયાની ફરિયાદ
જામનગર.તા.6 જાન્યુઆરી 2024,શનિવાર
જામનગર શહેર, લાલપુર અને સિક્કામાં તસ્કરોએ પડાવ નાખ્યો છે, અને એકી સાથે ચાર સ્થળે ચોરી થયાની ફરિયાદ થઈ છે. જામનગરમાં એક રહેણાંક મકાનમાંથી રૂપિયા અડધા લાખની કિંમતના ઘરેણા ચોરાયા છે, જ્યારે જામનગર-લાલપુર અને સિક્કામાંથી બે મોટરસાયકલ તેમજ એક મોબાઇલ ફોનની ચોરી થયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
જામનગરમાં જ્યોત જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા સુનિલભાઈ જીવરાજભાઈ તાલપરા નામના યુવાનના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરના રૂમમાં આવેલા કબાટમાંથી રૂપિયા 51,000ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી લઈ ગયા હતા.
જે બનાવ અંગે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ તંત્ર દોડતું થયું છે.
જામનગર શહેરમાં સમર્પણ હોસ્પિટલ પાસે રહેતા મહેશભાઈ સારીંગભાઇ બારડ નામના કારડીયા રાજપૂત યુવાને પોતાનો રૂપિયા 30,000 ની કિંમતનો મોબાઇલ ફોન ચોરી થઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
આ ઉપરાંત જામનગર તાલુકાના સિક્કા પાટીયા પાસે પાર્ક કરવામાં આવેલો ડેરા શિકારી ગામના ખેડૂત આશિષ સુરેશભાઈ જાડેજાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાવી છે.
આ ઉપરાંત લાલપુરમાં ઓમકાર રેસીડેન્સીમાં રહેતા હરદેવસિંહ તખૂભા જાડેજાએ પોતાનું રૂપિયા 25,000ની કિંમતનું મોટરસાયકલ કોઈ તસકર ચોરી કરી લઇ ગયાની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાવી છે.