Get The App

જામનગરમાં થયેલી લાખોની કોપર વાયરની ચોરીમાં ચાર ઝડપાયા

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
જામનગરમાં થયેલી લાખોની કોપર વાયરની ચોરીમાં ચાર ઝડપાયા 1 - image


કોપર, વાયર, કેબલ, કાર સહિત 6.90 લાખનો મુદ્દામાલ કબજે

ધુંવાવ ગામ પાસેથી પોલીસે પકડી લીધા

જામનગર: જામનગર શહેરમાં થયેલી લાખો રૂપિયાના કોપર કેબલની ચોરીના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી લીધા છે. અને તેઓની પાસેથી ચોરાયેલો કોપર કેબલ, વાહન અને મોબાઈલ ફોન મળી કુલ ૬.૯૦.૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્યના પોલીસ મહાનિરીક્ષક અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અનડિટેક્ટ ચોરીના ગુન્હાઓને ઝડપથી ઉકેલવા માટે પોલીસ કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને પંચકોષી એ. ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ખાનગી બાતમીના આધારે ચોરીમાં સંડોવાયેલા ચાર આરોપીઓને ધુંવાવ ગામથી સમરસ હોસ્ટેલ તરફ જતા રસ્તે પુલની બાજુમાંથી ચોરી કરેલ કેબલ, સ્વીફ્ટ કાર અને મોબાઇલ સાથે ઝડપી પાડયા હતા. 

પકડાયેલા આરોપીઓ રાધેભા માણેક, દનાભા સુમણીયા, બાબુભા માણેક અને લુણાભા સુમણીયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના રહેવાસી છે. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ૧,૭૫,૦૦૦ રૂપિયાનો કોપર કેબલ, ૫,૦૦,૦૦૦ રૂપિયાની કિંમતની સ્વીફ્ટ કાર અને ૧૫,૦૦૦ રૂપિયાના મોબાઇલ ફોન મળી કુલ ૬,૯૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં પંચકોષી 'એ' ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એન.શેખ તથા સ્ટાફ જોડાયો હતો.


Google NewsGoogle News