જામનગરના બેડી વિસ્તારમાં એક યુવાન પર હુમલો કરી મહા વ્યથા પહોંચાડવાના કેસમાં બે મહિલા સહિત ચાર આરોપીઓને ચાર વર્ષની કેદની સજા
Image: Freepik
જામનગરના બેડી વિસ્તારમાં રિક્ષામાં બેસવા બાબતેની તકરારમાં ૨૦૧૫ ની સાલમાં એક યુવાન પર હુમલો કરી મહાવ્યથા પહોંચાડવા અંગેના કેસમાં બે મહિલા સહિત ચાર આરોપીઓને અદાલતે તકસીરવાન ઠરાવી ચાર - ચાર વર્ષની કેદની સજા ફટકારી છે.
આ કેસની વિગત એવી છે કે જામનગરના બેડેશ્વર વિસ્તારમાં એકડે એક બાપુની દરગાહ પાસે ગત તારીખ ૨.૮.૨૦૧૫ ના દિવસે સોયબ નામના યુવાન સાથે જાવીદ આંબલાની રિક્ષામાં બેસવા બાબતે બોલાચાલી થઈ હતી, અને ફાતમાબેન અજમતભાઈ, આઈસા બેન આંબલા, અજમતભાઈ સફરાજ અને જાવીદ વગેરે એ માર મારી છરી વડે હુમલો કરાયો હતો, અને મહા વ્યથા પહોંચાડવામાં આવી હતી. જે બનાવ અંગે જુબેદાબેન મૂંગીડા એ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
જે અંગેનો કેસ જામનગરની સેસન્સ અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ પિયુષ પરમાર દ્વારા કરાયેલી રજૂઆત અને મૂકવામાં આવેલા પુરાવા, તેમજ સાક્ષીના નિવેદનો, તથા તબીબ ની જુબાની વગેરેને ધ્યાને લઈને અદાલતે ચારેય આરોપીઓને મહાવ્યથા પહોંચાડવા અંગેના કેસમાં તકસિરવાન ઠરાવી ચાર-ચાર વર્ષની કેદની સજા અને રૂપિયા પાંચ-પાંચ હજારનો દંડ ફરમાવ્યો હતો. આરોપીઓ દંડની રકમ ભરપાઈ ન કરે, તો વધુ છ મહિનાની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.