'ગુજસીટોક' ના કાયદા હેઠળ ઝડપાયેલા જામનગરના પાંચ આરોપીને સુપ્રિમ કોર્ટમાંથી જામીન મળ્યા
જામનગર,તા.24 સપ્ટેમ્બર 2022,શનિવાર
જામનગરમાં બે વર્ષ પહેલા સૌપ્રથમ વખત નોંધાયેલા ગુજસીટોકના કાયદા હેઠળ ઝડપાયેલા આરોપી પૈકીના પાંચ આરોપીને સુપ્રિમ કોર્ટમાંથી જામીન મળ્યા છે. સુપ્રિમ કોર્ટે કરેલા જામીન મુક્તિના આદેશ પછી નગરના બિલ્ડર, જાણીતા એડવોકેટ સહિતના પાંચ આરોપી આગામી દિવસોમાં જામીન પર મુક્ત થશે.
જામનગરમાં બે વર્ષ પહેલા સૌપ્રથમ વખત ગુજસીટોક કાયદા હેઠળ ગુન્હો નોંધાયા પછી તપાસનીશ પોલીસ અધિકારીએ જયેશ પટેલની ગેંગ સાથે સંકળાયેલાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા ઉપરાંત ધરપકડનો સિલસિલો શરૂ કર્યો હતો. જેમાં જામનગરના બિલ્ડર નિલેશ ટોલીયા, પૂર્વ પોલીસકર્મી વસરામ મિયાત્રા, પૂર્વ નગરસેવક અતુલ ભંડેરી, ફોરેન મની એક્સચેન્જના વ્યવસાય સાથે સંકળાયેલા જીગર ઉર્ફે જીમ્મી આડતીયા, પ્રવીણ ચોવટીયા, મુકેશ અભંગી, પ્રફુલ્લ પોપટ તેમજ જયેશ પટેલના વકીલ એવા વસંતભાઈ એલ.માનસાતા વગેરેની ધરપકડ કરવામાં આવી હતી.
ગુજસીટોક કાયદાની રાજકોટમાં કાર્યરત ખાસ અદાલતે તમામ આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. તે દરમિયાન આરોપી પૈકીના નિલેશભાઈ ટોલીયા, જીમ્મી આડતીયા, વકીલ વી.એલ.માનસાતા તેમજ યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજા એ ગુજરાત હાઈકોર્ટ માં જામીન અરજી કરી હતી. તે આઠેક મહિના પહેલા નામંજૂર થયા પછી ઉપરોક્ત પાંચેય આરોપીઓએ જામીન મુક્તિ માટે દેશની સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યા હતા.
જે જામીન અરજી સુનાવણી પર આવ્યા પછી બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળી સુપ્રિમ કોર્ટે આરોપી નિલેશ ટોલીયા, જીમ્મી આડતીયા, વકીલ વી.એલ. માનસાતા, યશપાલસિંહ અને જશપાલસિંહ જાડેજાની જામીન મુક્તિનો હુકમ કર્યો છે. તમામ આરોપીઓ તરફથી જામનગરના પૂર્વ ડીજીપી બિમલ એચ. ચોટાઈ તથા હાઈકોર્ટના વકીલ યોગેશભાઈ એસ. લાખાણી, કમલેશ શાહ, રાહુલ ધોળકિયા, ભાર્ગવ વસંતભાઈ માનસાતા તેમજ સુપ્રિમ કોર્ટના વકીલ નિત્યા રામક્રિષ્ણન અને પ્રદ્યુમન ગોહિલ વગેરે દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે ઉપરોક્ત પાંચેય આરોપીઓને ડિફોલ્ટ જામીન આપવાનો હુકમ કર્યો છે. તેના પગલે આગામી દિવસોમાં પાંચેય આરોપીઓ જામીન મુક્ત થશે.