'છોટી કાશીમાં 'રામસવારી' ના આયોજન અર્થે આયોજકોની પ્રથમ બેઠક
Image: Freepik
'છોટીકાશી' જામનગર શહેરમાં ચાર દાયકાથી મહાદેવ હર મિત્ર મંડળ અને હિંદુ ઉત્સવ સમિતિ દ્વારા રામનવમીના ધાર્મિક પર્વે 'રામસવારી' ના નામથી ભવ્ય નગર શોભાયાત્રા યોજવામાં આવે છે.
ચાલુ વર્ષ દરમિયાન ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીનો તહેવાર આગામી તા. ૧૭/૦૪/૨૦૨૪ ને બુધવારે આવી રહ્યો છે. આ વર્ષમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ અયોધ્યામાં સનાતન ધર્મપ્રેમીઓની પાંચસો વર્ષની દીર્ઘકાલીન તપસ્યા પછી ભવ્યાતિભવ્ય રામમંદિરનું નિર્માણ થયું છે.
જેને કેન્દ્રમાં રાખી જામનગર શહેરમાં પણ ઉપરોક્ત બન્ને આયોજક સંસ્થાઓ દ્વારા પણ અતિ ભવ્ય રામ સવારી યોજવાનો મનસૂબો નિર્ધારિત કરાયો છે.
જેની પૂર્વ વિચારણા તેમજ કાર્યક્રમના આયોજન સંબંધી પ્રથમ મિટિંગ તા. ૦૬/૦૪/૨૦૨૪ ને શનિવાર ના રાત્રીના ૦૯.૦૦ કલાકે શ્રી રામદૂત હનુમાનજી મંદિર, પંચેશ્વર ટાવર પાસે યોજવામાં આવી છે.
આ બેઠકમાં શહેરની તમામ ધાર્મિક સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો, સેવાભાવી સંસ્થાઓ, કીર્તન-ધૂન મંડળો, ચલિત ફ્લોટ્સ કે સ્થાયી સેવાકેન્દ્ર સાથે જોડાવા ઈચ્છુક સહયોગીઓને આયોજનની રૂપરેખા સાથે સમયસર ઉપસ્થિત રહેવા મહાદેવ હર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઈ વ્યાસ (મહાદેવ) દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.