જામનગર શહેરની ખાનગી હોસ્પિટલ અને હોટલ-રેસ્ટોરન્ટ, કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર અને ટીપીઓ દ્વારા સર્વેની કામગીરી
Jamnagar Fire Safty : રાજકોટની દુર્ઘટનાના પગલે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણ પણે સજાગ બન્યું છે, અને સૌ પ્રથમ જામનગર શહેરની તમામ હોસ્પિટલો-રેસ્ટોરન્ટ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સિનેમાઘરો વગેરેમાં પણ ફાયર એનઓસી તેમજ બાંધકામ સહિતની તપાસણી કરવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ સીટી ઇજનેર દ્વારા અલગ અલગ આઠ ટીમો બનાવવામાં આવી છે. પ્રત્યેક ટીમમાં એક ફાયર વિભાગના અધિકારી તેમજ અન્ય બે ટીપીઓ વિભાગના અધિકારી સહિત ત્રણની ટુકડી બનાવીને શહેરના 16 વોર્ડમાં આઠ ટીમને દોડતી કરવામાં આવી છે.
જે ટીમ દ્વારા છેલ્લા 24 કલાકના સર્વે દરમિયાન-90 ખાનગી હોસ્પિટલ અને નોટિસ પાઠવવામાં આવી છે જ્યારે શહેર વિસ્તાર અને આસપાસના વિસ્તારમાં આવેલી 45 જેટલી હોટલ રેસ્ટોરન્ટના સંચાલકોને નોટિસ પાઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત સિનેમાઘરો અન્ય કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારમાં હજુ સર્વેની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
જામનગરની ખાનગી હોસ્પિટલ સહિતના વિસ્તારમાં ફાયરનું એનઓસી મેળવવા માટેના નિયમોમાં બદલાવ આવ્યો છે, અને એફ.એસ.ઓ. મારફતે મેળવવાની રહે છે. જામનગર મહાનગરપાલિકાની કચેરીમાંથી ફાયરનું એનઓસી હવે મળતું નથી. રાજ્ય સરકાર દ્વારા આ નિયમમાં બદલાવ કર્યા પછી જે હોસ્પિટલ અથવા હોટલ રેસ્ટોરન્ટ વગેરેની એનઓસીની મુદત પૂર્ણ થઈ હોય તેઓને નવી એનઓસી કઢાવવા માટે અથવા તો રીન્યુઅલ કરાવવા માટે ખૂબ જ પેચીદો પ્રશ્ન છે.
એફ.એસ.ઓ. લાયસન્સ ઠરાવનાર સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈ પેઢી નથી. અમદાવાદ-વડોદરા-સુરત વગેરે મોટા સિટીમાં પ્રાઇવેટ કંપનીઓ આવેલી છે, જેના દ્વારા સર્વે કરાયા પછી જ એનઓસી પ્રાપ્ત થઈ શકે જેથી અનેક સવાલો ઊભા થાય તેવી પરિસ્થિતિ છે. રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં આ બાબતે શું નિર્ણય લેવાઇ શકે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.