જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગજનીની ઘટના
Image: Freepik
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે લોકોએ મન ભરીને આતશબાજી કરીને આનંદ ઉઠાવ્યો હતો, પરંતુ ફટાકડાના કારણે ૨૭ સ્થળોએ આગજની ની ઘટના બની હતી, અને જામનગર મહાનગરપાલિકાના ફાયર તંત્રને ભારે દોડધામ થઈ હતી.
મહાનગરપાલિકાના પટાંગણમાં આવેલા મેઈન ફાયર સ્ટેશન તેમજ જનતા ફાયર સ્ટેશન, અને બેડી ફાયર સ્ટેશનના ફાયર સ્ટાફ, ઉપરાંત દિવાળીને અનુલક્ષીને હંગામી ઊભા કરેલા દરબારગઢ, ખંભાળિયા ગેઇટ, પંપ હાઉસ અને ડી.કે.વી. સર્કલ સહિતના ચાર સ્થળોએ મુકાયેલા ફાયર ફાઈટર વગેરેની મદદથી જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોય ની આગેવાનીમાં ૭૦ જેટલા ફાયર સ્ટાફની મદદથી તમામ સ્થળોએ આગ પર કાબુ મેળવી લેવાયો હતો, અને સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. રાત્રિના ૧૦.૦૦ વાગ્યાથી લઈને વહેલી સવાર સુધી આગ બુજાવવાની કામગીરી ચાલુ રહી હતી, અને ફાયર તંત્ર સતત દોડતું રહ્યું હતું.