જામનગરમાં વાલકેશ્વરી નગરી વિસ્તારમાં વાણિક પરિવારના મકાનમાં ધૂળેટીના વહેલી સવારે આગની ઘટનાથી દોડધામ

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
જામનગરમાં વાલકેશ્વરી નગરી વિસ્તારમાં વાણિક પરિવારના મકાનમાં ધૂળેટીના વહેલી સવારે આગની ઘટનાથી દોડધામ 1 - image


- આગની લપેટમાં રૂમમાં ફસાયેલા એક બુઝુર્ગને ફાયરની ટીમે સમયસર બહાર કાઢી લેતાં માનવ જિંદગી બચાવાઈ

- પાણીના એક ટેન્કર વડે પાણીનો મારો ચલાવી સમયસર આગ બુઝાવી દેતાં આગ વધુ પ્રસરતી અટકી 

જામનગર,તા.26 માર્ચ 2024,મંગળવાર   

જામનગરમાં વાલકેશ્વરી નગરી વિસ્તારમાં ધૂળેટીના વહેલી સવારે એક વણિક પરિવારના રહેણાક મકાનમાં ઇલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને તેમાં એક બુઝુર્ગ સપડાયા હતા. ફાયર બ્રિગેડની ટુકડીએ સમય સૂચકતા વાપરીને સૌપ્રથમ બુઝુર્ગને સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા, તેમજ સમયસર આગને પણ કાબુમાં લઈ લેતાં આગ પ્રસરતી હતી. ફાયર બ્રિગેડની સમય સૂચકતાને લઈને એક માનવ જિંદગી બચી છે.

આગના બનાવની વિગત એવી છે કે જામનગરમાં વાલકેશ્વરી નગરી વિસ્તારના અમર રેસીડેન્સીના 203 નંબરના બ્લોકમાં રહેતા નગીનદાસ એસ. શાહના મકાનમાં સવારે 6 વાગ્યાના અરસામાં ઇલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને આગ સમગ્ર રૂમમાં પ્રસરી ગઈ હતી, અને બારીમાંથી આગની જ્વાળાઓ બહાર દેખાવા લાગી હતી.

આગના આ બનાવ સમયે વણિક પરિવાર ઘરમાં જ હતો, અને ભારે દોડધામ થઈ હતી. જે રૂમમાં આગ લાગી તેની બાજુના બેડરૂમમાં નગીનભાઈ શાહ ફસાયા હતા, દરવાજો ખોલીને બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં ન હતા. આથી તેમના પુત્ર પરાગભાઈ શાહએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાના રાકેશ ગોકાણી સહિતની સાત સભ્યોની ફાયર વીભાગની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સૌ પ્રથમ બેડરૂમમાં ફસાયેલા નગીનભાઈ શાહને સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા, જેથી તેઓને હેમખેમ બચાવી શકાયા હતા. ત્યારબાદ આગ પર પાણીના એક ટેન્કર વડે મારો ચલાવી સમયસર આગને કાબુમાં લઈ લેતાં આગ વધુ પ્રસરતી અટકી હતી.

આગ વધુ પ્રસરે તે પહેલાં જ ફાયર શાખાની ટુકડી સમયસર પહોંચી ગઈ હોવાથી એક માનવ જિંદગી બચી ગઈ હતી.

જામનગરમાં હરિયા કોલેજ પાસે કચરાનો ઢગલો સળગતાં વર્ષો પુરાણા વડલામાં પણ આગ લાગી 

આગના કારણે મૂળમાંથી ઝાડની ડાળી તૂટીને પાર્ક કરેલી એક કાર પર પડતાં નુકસાન; ફાયરે કારને બહાર કઢાવી આગનો બીજો બનાવ ધુળેટીના દિવસે સવારે દસ વાગ્યા આસપાસ હરિયા કોલેજ રોડ પર બન્યો હતો. જયાં કોલેજની બહારની દિવાલ પાસે પડેલો કચરો સળગ્યો હતો. જે કચરાની બાજુમાં જ જૂનો વડલો આવેલો હતો, જેની વડવાઈઓ સળગવા લાગી હતી. તેમ જ ઝાડનું થળ પણ સળગ્યું હોવાથી તેનો કેટલોક હિસ્સો મૂળમાંથી ઉખડીને કોલેજની દિવાલ પાસે પાર્ક કરવામાં આવેલી કાર પર પડ્યો હતો.

જે બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી સૌપ્રથમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને આગને બુજાવી હતી, અને ઝાડના મૂળમાં પાણીનું ફાયરિંગ કરી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. દરમિયાન ઝાડની ડાળી તૂટીને એક કાર પર પડી હતી, અને કાર દબાઈ હતી. જે ઝાડની ડાળીઓ પણ કરવતથી કાપીને ફાયરની ટુકડીએ કારને બહાર કઢાવી આપી હતી.



Google NewsGoogle News