જામનગરના પ્રાચીન-અર્વાચીન રાસ મહોત્સવમાં ફાયર સેફ્ટી સંદર્ભે ફાયર બ્રિગેડની ટીમની કવાયત
Jamnagar Fire Brigade : જામનગર શહેર અને આસપાસના વિસ્તારના 24 જેટલા સ્થળો પર પ્રાચીન-અર્વાચીન રાસ ગરબા મહોત્સવ યોજાઈ રહ્યા છે, અને મોટી સંખ્યામાં ખેલૈયાઓ અથવા તો ગરબા જોવા નાગરિકો એકત્ર થાય છે, ત્યારે રાત્રિના સમયે કોઈ અકસ્માતની દુર્ઘટના સર્જાય, તો તેને ત્વરિત પહોંચી વળવા માટે જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાએ કમર કસી છે.
જામનગર મહાનગર પાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોયની રાહબરી હેઠળ જુદા જુદા 8 ફાયર ઓફિસરોની અલગ-અલગ ટુકડીઓ બનાવાઇ છે. જે તમામ ફાયર ઓફિસરો દ્વારા ગરબા મંડળના સંચાલકો અથવા તો મંડપ લાઈટ ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ સહિતના સ્ટાફ માટેનો ડેમોન્સ્ટ્રેશન અને તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગરબાના સ્થળે કોઈપણ આગ અકસ્માતની ઘટના બંને, તો તેને રોકી લેવા, અથવા તો આગ ઉપર કાબુ લેવા માટેની ખાસ ટ્રેનિંગ આપવા માટેના જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શહેર અને આસપાસના વિસ્તારના 24 ગરબા સ્થળો પર આ ટ્રેનીંગનો કાર્યક્રમ યોજાયો હતો, અને તમામ ગરબી મંડળના સંચાલકો અથવા તો તેઓની વોલીએન્ટરની ટીમ ઉપરાંત લાઈટ ડેકોરેશન,મંડપ, સાઉન્ડ સિસ્ટમ વગેરેના ઓપરેટર-સંચાલકોને પણ કઈ રીતે ફાયરના બાટલાઓનો અથવા અન્ય બચાવ સામગ્રીનો ઉપયોગ કરવો, તેનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શહેર અને આસપાસના વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ પણ સ્થળે આગ અકસ્માતની ઘટનાઓ બને, તો જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પણ રાઉન્ડ ધ ક્લોક તહેનાતમાં છે.