જામનગરમાં પ્રણામી સ્કૂલ પાસે રહેતી અને છુટાછેડા મેળવેલી યુવતી પર પૂર્વ દિયર અને સાસુએ હુમલો કર્યાની ફરિયાદ
image : Freepik
જામનગર,તા.30 નવેમ્બર 2023,ગુરૂવાર
જામનગરમાં પ્રણામી સ્કૂલ નજીકના વિસ્તારમાં રહેતી અને અને છૂટાછેડા લેનાર યુવતીએ પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાની પૂર્વ સાસુ અને દિયર સામે ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હાલ પ્રણામી સ્કુલની સામે વ્રજભૂમિ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 202 માં રહેતી મનાલીબેન વિનોદભાઈ ભંડેરી નામની 27 વર્ષની પરણીતાએ પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાની પૂર્વ સાસુ રેખાબેન વલ્લભભાઈ વૈષ્ણવ, અને દિયર પંકજ વલ્લભભાઈ વૈષ્ણવ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મનાલીબેનને તેણીના પતિ વિનોદભાઈ સાથે છૂટાછેડા થઈ ગયા હતા, અને અલગ રહેતી હતી. દરમિયાન ગઈકાલે મનાલીબેન પોતાના પતિ કે જે સરસ્વતી સોસાયટીમાં રહે છે, ત્યાં ડોક્યુમેન્ટ આપવા માટે તેમજ પોતાની મોટી પુત્રીને મળવા માટે ગઈ હતી. દરમિયાન ત્યાં હાજર રહેલા તેણીના દિયર પંકજભાઈ તેમજ સાસુ રેખાબેન કે જેઓ એ ગાળો ભાંડી હતી, અને ધાકધમકી આપી, ફરીથી નહીં આવવા જણાવી ધક્કો મારી પછાડી દીધી હતી, અને ગાલ પર ઝાપટો મારી હતી.
જેથી મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોતાના પૂર્વ સાસુ અને દિયર સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે