જામનગર મહાનગરપાલિકાના સિટી ઈજનેરને પૂર્વ કોર્પોરેટરની ગર્ભીત ધમકીની ફરિયાદથી ભારે ચકચાર

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
જામનગર મહાનગરપાલિકાના સિટી ઈજનેરને પૂર્વ કોર્પોરેટરની ગર્ભીત ધમકીની ફરિયાદથી ભારે ચકચાર 1 - image


- મહાનગરપાલિકામાં સારી રીતે નોકરી કરવી હોય તો દર મહિને એક લાખ રૂપિયાનો હપ્તો ખંડણી તરીકે આપવો પડશે તેવી માંગણી કરાઈ

- ફાઇલ ક્લિયર કરવા બાબતે અધિકારીનો કાંઠલો પકડી વકીલ પલેજાની જેમ ખૂન કરાવી નાખી એસ્ટ્રોસિટીના કેસમાં પણ ફસાવી દેવાની ધમકી અપાઇ

જામનગર,તા.28 માર્ચ 2024,ગુરૂવાર

જામનગર મહાનગર પાલિકાના સીટી ઇજનેરને પૂર્વ કોંગી કોર્પોરેટરે ફાઈલ ક્લિયર કરાવવાના પ્રશ્ને ધાકધમકી આપી જો સારી રીતે નોકરી કરવી હોય તો ખંડણી પેટે દર મહિને એક લાખ રૂપિયા આપવા પડશે, નહીંતર વકીલ હારુન પલેજાનું ખૂન થયું તે રીતે ખૂન કરાવી નાખવાની ધમકી આપી, એસ્ટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર મહાનગરપાલિકાના સીટી ઇજનેર ભાવેશ જાની કે જેઓની કચેરીમાં પૂર્વ કોંગી કોર્પોરેટર તેજશી ઉર્ફે દીપુ પારીયા, કે હાલમાં તેના પત્ની સમજુબેન કોર્પોરેટર છે, તેના કામોના બહાને મહાનગર પાલિકાની કચેરીમાં અવર-જવર કર્યા પછી ફાઈલ ક્લિયર કરવા બાબતે સિટી ઈજનેરને ધમકી આપી હતી, અને પોતાને મહાનગરપાલિકામાં સારી રીતે નોકરી કરવી હોય તો દર મહિને એક લાખ રૂપિયા ખંડણી પેટે આપવા પડશે, તેવી માંગણી કરી હતી, અને જો ફાઈલ ક્લીયર નહીં કરી આપે, તેમ જ પૈસા નહીં આપે, તો જે રીતે વકીલ હારુન પલેજાનુ ખૂન થયું છે, તે રીતે ખૂન કરાવી નાખવાની ધમકી ઉચારી હતી. તેમજ પોતે દલિત જ્ઞાતિના હોવાથી એસ્ટ્રોસીટીના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી ઉચ્ચારી હતી, અને અધિકારીની કચેરીમાં તેનો કાંઠલો પકડી લઈ અશોભનીય વર્તન કર્યું હતું.

 આખરે આ મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં મથકમાં લઈ જવાયો હતો, અને પૂર્વ કોર્પોરેટર તેજશી ઉર્ફે દીપુભાઈ વાલજીભાઈ પારીયા સામે ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ. ટી.ડી. બુડાસણાએ આઇપીસી કલમ 387, 332, 504 અને 506-2 મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. આ ફરિયાદને લઈને જામનગર મહાનગરપાલિકાના વર્તુળમાં ભારે ચકચાર જાગી છે.


Google NewsGoogle News