જામનગરમાં ફૂટબોલની રમત બની ઝગડાનું કારણ, ખાનગી સ્કૂલના વિદ્યાર્થીને રમતમાં ધક્કો લાગવાથી વાલીઓ વચ્ચે મારામારી
image : Freepik
Jamnagar Crime News : જામનગરની એક ખાનગી સ્કૂલમાં ફૂટબોલની રમતમાં એક વિદ્યાર્થીને ધક્કો લાગ્યો હોવાથી તેના પિતાએ ખોડિયાર કોલોની વિસ્તારમાં બબાલ કરી હતી, અને બીજા વિદ્યાર્થીના પિતાને બોલાવી ક્રિકેટના બેટ વડે લમધારી નાખ્યા હતા. જે બનાવ સંદર્ભે બે સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હીરા પાર્ક સોસાયટીમાં રહેતા અને ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા અરવિંદભાઈ ભવાનભાઈ ભટ્ટ નામના 40 વર્ષના યુવાને પોતાના ઉપર ક્રિકેટના બેટ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે રવિ ફલિયા અને તેના એક સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અરવિંદભાઈ અને આરોપી રવિ ફલીયા જે બંનેના પુત્ર જામનગર નજીક વસઈ ગામમાં આવેલી એક ખાનગી સ્કૂલમાં સાથે અભ્યાસ કરે છે. જ્યાં ફૂટબોલની રમત રમતી વખતે ફરિયાદીના પુત્રનો આરોપીના પુત્રને ધક્કો લાગી ગયો હતો અને પડી ગયો હોવાથી ઇજા થઈ હતી. જે બનાવનું ઉપરાણું લઈને ઇજાગ્રસ્ત બાળકના પિતા રવિ ફલિયા ખાનગી સ્કૂલમાં પહોંચ્યા હતા. જ્યાં ધક્કો મારનાર વિદ્યાર્થીના પિતાના મોબાઈલ નંબર મેળવીને તેને ખોડીયાર કોલોની વિસ્તારમાં બોલાવ્યા હતા. ત્યાં અરવિંદભાઈ ભટ્ટ પહોંચતાં તેના પર રવિ ફલિયા અને તેના સાગરીતે કારમાંથી બેટ કાઢીને આડેધડ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. તેથી મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને પોલીસે અરવિંદભાઈ ભટ્ટની ફરિયાદના આધારે આરોપી રવિ ફલિયા અને તેના સાગરીત સામે ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.