Get The App

જામનગરના કલ્યાણપુર ગામના પિતા-પુત્રએ વ્યાજે લીધેલા 1.40 લાખ સામે 10.25 લાખ ચૂકવી દીધા પછી પણ 16 લાખની વ્યાજખોરની માંગણી

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
જામનગરના કલ્યાણપુર ગામના પિતા-પુત્રએ વ્યાજે લીધેલા 1.40 લાખ સામે 10.25 લાખ ચૂકવી દીધા પછી પણ 16 લાખની વ્યાજખોરની માંગણી 1 - image


Jamnagar News : જામનગર શહેર અને જિલ્લામાં વ્યાજખોરોને ખુલ્લા પાડવા માટે પોલીસ તંત્ર કમર કસી રહયું છે, ત્યારે જામજોધપુર તાલુકા ના કલ્યાણપુર ગામના ખેડૂત પિતા પુત્ર એક વ્યાજખોરની ચૂંગાલમાં બરોબરના ફસાયા છે, અને તેઓએ ખેતીવાડી તેમજ સામાજિક કાર્ય માટે એક લાખ ચાલીસ હજાર વ્યાજે લીધા પછી તેનો સવા દસ લાખ રૂપિયા જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં 16 લાખ રૂપિયાની વધુ માંગણી કરી જમીનના દસ્તાવેજો પણ પોતાના નામે કરાવી લીધાની ફરિયાદ શેઠવડાળા પોલીસ મથકમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.

જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા આશિષ વલ્લભભાઈ  વરસાણી નામના 37 વર્ષના ખેડૂત યુવાને પોતાનાં અને  પોતાના પિતા પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલી ખેતીવાડીની જગ્યાના દસ્તાવેજો પણ પોતાના નામે કરી લેવા અંગે જામજોધપુર તાલુકાના સખપર ગામમાં રહેતા ઇશાક તારમહંમદ સંધી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ખેડૂત પિતા પુત્રએ આરોપી પાસેથી રૂપિયા 1,40,000 ની રકમ માસિક ત્રણ ટકા એટલે કે વાર્ષિક 36 ટકા નામના ઊંચા વ્યાજના દરે લીધી હતી, અને તે રકમના બદલામાં અંદાજે 10 લાખ 25 હજાર જેટલું વ્યાજ ચૂકવી દીધું હતું, તે ઉપરાંત હજી વધુ 16 લાખની રકમની માંગણી કરવામાં આવી હતી. ઉપરાંત તેઓની જમીન કે જેના વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરી લીધા હતા, આરોપીએ તેમાં પણ ધિરાણ વગેરે મેળવી લઈ પિતા પુત્ર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાથી આખરે મામલો શેઠ વડાળા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પિતા પુત્રની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગેરકાયદે નાણા ધીરધાર કરવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News