જામજોધપુરમાં ખેતીની ઉપજના પૈસા લઈને ઘરે પરત ફરતા ખેડૂતે નજર ચૂક થતા 50 હજાર ગૂમાવ્યા

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
જામજોધપુરમાં ખેતીની ઉપજના પૈસા લઈને ઘરે પરત ફરતા ખેડૂતે નજર ચૂક થતા 50 હજાર ગૂમાવ્યા 1 - image


- પોરબંદરના ઈશ્ર્વરીયા ગામના ખેડૂત ગત તા.9 ના રોજ જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં મગફળી વેંચી ઘરે જતા હતા ત્યારે બનાવ બન્યો

- ઈકો કારના ચાલક સહિત ત્રણ અજાણ્યા શખ્સોએ રૂા.50 હજાર સેરવી લીધાની પોલીસ ફરિયાદ 

જામનગર,તા.19 ઓક્ટોબર 2023,ગુરૂવાર

જામજોધપુર પંથકમાં ખેતીની ઉપજના પૈસા લઈને ઘરે પરત જઈ રહેલા પોરબંદર જિલ્લાના એક ખેડૂત પાસેથી અજાણ્યા ત્રણ ઈસમોએ ખેડૂતની નજર ચૂકવી રૂા.50 હજાર સેરવી લેતાં ચકચાર જાગી છે. 

આ ચકચારી બનાવની પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ પોરબંદર જિલ્લાના ઈશ્ર્વરીયા ગામના ડાયાભાઈ વસરામભાઈ પાથર નામના ખેડૂત ગત તા.09-10-2023 રોજ ગામના અન્ય ઈકબાલ અબુભાઈ ધાવડા નામના બંને ખેડૂતો બોલેરો પીક અપ વાહન ભાડે રાખી પોતાની ખેત જણસોના વેંચણા માટે જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં આવ્યા હતા.

જ્યાં ડાયાભાઈએ મગફળી વેંચાણના આવેલ રૂા.86,757 લઈને ઈકબાલભાઈ સાથે યાર્ડના ગેઈટની બહાર વાહનની રાહ જોતા હતા. ત્યારે જામજોધપુર તરફથી આવતા ઈકો કારે તેમની બાજુમાં ઉભી રાખી ભાણવડ આવવું છે, તેમ પૂછતાં બંને ખેડૂતો કારમાં બેસી ગયા હતાં અને કારમાં ડ્રાઈવર સહિત અન્ય ત્રણ વ્યકિતઓ બેસેલ હતા.

જેઓ આગળ જતાં ડાયાભાઈની બાજુમાં બેઠેલા વ્યકિતએ ધકકા મુકી કરવા લાગતાં બંને ખેડૂતો ત્રણ પાટીયા પાસે કાર ઉભી રખાવી ઉતરી ગયા હતા, અને સાથી ખેડૂતે ભાડાના પૈસા પૂછતા કાર ચાલકે ભાડુ નથી જોઈતું તેમ કહી કાર ભાણવડ તરફ ભગાડી મુકી હતી. અને ત્યાર બાદ ડાયાભાઈએ બંડીના ખિસ્સામાં હાથ નાખી જોતાં રૂા.500નું એક બંડલ જોવા ન મળતા કારમાં બેઠેલા ત્રણ શખ્સો પૈકી કોઈએ ધકકા મુકકીની આડમાં રૂા.50 હજાર સેરવી લીધા હોવાનું જણાતાં જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આથી જામજોધપુર પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેમને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News