જામનગરમાં ગઈકાલે અનંત ચતુર્દશીના દિવસે ગણેશ ભક્તો દ્વારા વિઘ્નહર્તા દેવને માનભેર વિદાયમાન અપાયું

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
જામનગરમાં ગઈકાલે અનંત ચતુર્દશીના દિવસે ગણેશ ભક્તો દ્વારા વિઘ્નહર્તા દેવને માનભેર વિદાયમાન અપાયું 1 - image


- જામનગર મહાનગર પાલિકા દ્વારા નિર્મિત બન્ને વીસર્જન કુંડમાં સમગ્ર મહોત્સવ દરમિયાન 2,546 ગણપતિની મૂર્તિઓ વિસર્જિત કરાઈ

જામનગર,તા.29 સપ્ટેમ્બર 2023,શુક્રવાર

જામનગર શહેરમાં 10 દિવસ માટેનો ગણપતિ મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન થયો હતો, અને ગઈકાલે અનંત ચતુર્દશીના દિવસે તમામ ગણપતિ મંડળ દ્વારા વિઘ્નહર્તા દેવને વાજતે ગાજતે માનભેર વિદાય અપાઈ હતી, અને જામનગર મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ બે સ્થળે બનાવેલા કૃત્રિમ વિસર્જનકુંડમાં નાની મોટી 2,546 મૂર્તિઓનું આસ્થા ભેર વિસર્જન કરાયું હતું, અને સમગ્ર ગણેશ મહોત્સવ ઉત્સાહ ભર્યા વાતાવરણમાં સંપન્ન થયો છે.

જામનગરમાં ગઈકાલે અનંત ચતુર્દશીના દિવસે ગણેશ ભક્તો દ્વારા વિઘ્નહર્તા દેવને માનભેર વિદાયમાન અપાયું 2 - image

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે હાપા શોરૂમની સામે તથા રણજીતસાગર રોડ બાયપાસ ચોકડી પાસે કૃત્રિમ વિસર્જનકુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં ગઈકાલે કુલ 947 પ્રતિમા બંને કૃત્રિમ વિસર્જનકુંડમાં વિસર્જિત કરાઈ હતી. છેલ્લા દસ દિવસ દરમિયાન અહીં કુલ 2546 પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. 

મહાનગરપાલિકા દ્વારા હાપા ખાતે શોરૂમની સામે અને રણજીત સાગર રોડ બાયપાસ ચોકડી પાસે કૃત્રિમ વિસર્જન કુંડમાં સમગ્ર શહેરમાંથી આવતા નગરજનો સુવ્યવસ્થિત રીતે પ્રતિમાનું વિસર્જન કરી શકે તે માટેની તમામ પ્રકારની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી, અહીં લાઇટિંગની વ્યવસ્થા, શ્રદ્ધાળુઓ માટે પીવાનું પાણી, ચુસ્ત સિક્યુરિટી બંદોબસ્ત તેમજ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થાય તે પહેલા આરતી અને પૂજા માટે ટેબલ તથા મંડપ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અનેક શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિ- ભાવપૂર્વક બંને કૃત્રિમ કુંડમાં માટીના ગણેશજી તેમજ (પી.ઓ.પી.) પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ બંને કૃત્રિમ કુંડમાં ફાયર શાખાની ટીમ દ્વારા મૂર્તિના વિસર્જન સમયે કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તેની સંપૂર્ણપણે તકેદારી રાખવામાં આવે છે, મૂર્તિનું વિસર્જન અહીંના તાલીમ બદ્ધ સ્ટાફ દ્વારા જ કરવામાં આવ્યું હતું. વિઘ્નહર્તાની મોટી પ્રતિમા માટે અહીં ક્રેઇનની પણ જામનગર મનપા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ સમગ્ર પ્રતિમા વિસર્જનની કામગીરી જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીના માર્ગદર્શન મુજબ નાયબ કમિશનર ભાવેશ જાનીની રાહબરી હેઠળ પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની, જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિશર કે.કે.બિશ્નોઇ, ડે.ચીફ ફાયર સી.એસ.પાંડીયન, હિરેન સોલંકી, ચેતન સંઘાણી તથા સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News