જામનગર શહેરમાં રોગચાળો બેકાબુ : જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો
Jamnagar News : જામનગર શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો હોવાના કારણે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દર્દીઓની ભીડમાં નોંધપાત્ર વધારો થયો છે.
જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના અધિક્ષકે આ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઓ.પી.ડી.માં દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જ્યાં પહેલા 450 જેટલા દર્દીઓ આવતા હતા, ત્યાં હવે આ સંખ્યા 550 થી 600 અને કેટલીકવાર 700 સુધી પહોંચી રહી છે. આ ઉપરાંત, આઈ.પી.ડી. માં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. મેડિસીન ઈમરજન્સીમાં દાખલ દર્દીઓની સરેરાશ સંખ્યા 60 થી 80 હતી, જે હવે વધીને 110 થી 130 અને કેટલીકવાર 150 સુધી પહોંચી રહી છે.
આ વધારાનું મુખ્ય કારણ શરદી, તાવ, મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા રોગોના કેસોમાં વધારો થયો છે. હવામાનમાં આવેલા ફેરફારને કારણે આ રોગો ફેલાવાની શક્યતા વધી ગઈ છે. હોસ્પિટલના સ્ટાફ દર્દીઓની સારવાર માટે સતત પ્રયત્નશીલ છે. પરંતુ દર્દીઓની સંખ્યામાં આટલો વધારો થવાને કારણે સ્ટાફ પર ભાર વધી ગયો છે. હોસ્પિટલ સત્તાવાળાઓ દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે જરૂરી પગલાં ભરી રહ્યા છે.
જામનગરના નાગરિકોને આ અંગે સતર્ક રહેવા અને સ્વચ્છતાનું ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, જો કોઈને શરદી, તાવ, મેલેરીયા કે ડેન્ગ્યુના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર કરાવવી જોઈએ.