બાલા હનુમાન મંદિરે અખંડ ધૂનનો 57મા વર્ષમાં પ્રવેશ
- જામનગરમાં તળાવની પાળે આવેલા સુપ્રસિદ્ધ
- કોરોના મહામારીને લીધે મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખી સાદગીપૂર્વક ઉજવણી
જામનગર, તા. 1 ઑગસ્ટ, 2020, શનિવાર
જામનગરમા તળાવની પાળે આવેલા સુપ્રસિદ્ધ બાલાહનુમાનજીના મંદિરમાં પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા ૧ ઓગસ્ટ ૧૯૬૪ના દિવસે અખંડ રામધૂન નો પ્રારંભ કરાયો હતો. જે રામધુન અવિરત ચાલુ છે, અને ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે રામધુન ને આજે ૫૬ વર્ષ પૂર્ણ થયા છે, અને ૫૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં ૧૯૬૪ની સાલમાં ઓગસ્ટ મહિનાની એક તારીખથી અખંડ રામધૂનના જાપ શરૃ કરાયા હતા, જેના આજે ૨૦,૪૫૩ દિવસો પૂર્ણ થયા છે. ૫૬ વર્ષ પૂર્ણ કરી અખંડ રામધૂન ૫૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. પરંતુ હાલ કોરોનાની મહામારી ને લઈને તેની ઉજવણી ખૂબ જ સાદગીપૂર્વક કરવામાં આવી છે.
જામનગર શહેરમાં વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને બાલા હનુમાન સંકીર્તન મંડળ ટ્રસ્ટ દ્વારા આજથી ૮ ઓગષ્ટ સુધી દર્શનાર્થીઓ માટે મંદિર સદંતર બંધ રાખવામાં આવ્યું છે. જોકે પાંચ રામ ભક્તો દ્વારા મંદિર પરિસરમાં અખંડ રામધૂન ના જાપ અવિરત ચાલુ રાખવામાં આવ્યા છે, જ્યારે મંદિરના પૂજારીઓ દ્વારા આરતીની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી રહી છે. જેથી દર્શનાર્થીઓ મંદિરના દ્વારે જ દર્શન કરીને પરત ફરી રહ્યા છે.