જામનગરમાં ભીમવાસના રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો: એકની ધરપકડ, સપ્લાયરનું નામ ખુલ્યું
image : Freepik
- નાઘેડી ગામના પાટીયા પાસેથી બાઇક પર ઈંગ્લીશ દારૂ સાથે નીકળેલા બે શખ્સો પકડાયા: અન્ય એકનું નામ ખુલ્યું
જામનગર,તા.11 જાન્યુઆરી 2024,ગુરૂવાર
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભીમવાસ શેરી નંબર-1 માં એક મકાન પર દરોડો પાડી 24 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી સાથે એક શખ્સની અટકાયત કરી છે, જ્યારે દારુનો જથ્થો સપ્લાય કરનાર અન્ય એક શખ્સને ફરાર જાહેર કર્યો છે. ઉપરાંત નાઘેડી ગામના પાટિયા પાસેથી બાઈક પર નીકળેલા બે શખ્સોને એલસીબીની ટીમે ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી લીધા છે, જ્યારે દારૂના સપ્લાયરને ફરાર જાહેર કર્યો છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં ભીમવાસ શેરી નંબર-1 માં રહેતા સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઈ ધવલ નામના શખ્સે પોતાના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે. તેવી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન મકાનમાંથી 24 નંગ નાની ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. જે ઈંગ્લીશ દારૂ એલસીબીની ટીમેં કબજે કરી લઈ મકાન માલિક સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઈ ધવલની અટકાયત કરી લીધી છે. જયારે તેને દારૂનો જથ્થો સપ્લાય કરનાર જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58 માં રહેતા રવિ પુશ નામના શખ્સનું નામ ખુલ્યું હોવાથી પોલિસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
એલસીબીની ટીમે દારૂ અંગેનો બીજો દરોડો નાઘેડી ગામના પાટીયા પાસે પાડ્યો હતો. જ્યાંથી બાઈક પર ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલા નાઘેડીના મજબૂતસિંહ જશુભા જાડેજા તેમજ પૃથ્વીરાજસિંહ સહદેવસિંહ રાઠોડને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી 15 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી અને બાઇક વગેરે કબજે કર્યા છે.
પોલીસની પૂછપરછમાં ઉપરોક્ત ઇંગલિશ દારૂનો જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામના શક્તિસિંહ રાણા નામના શખ્સે સપ્લાય કર્યો હોવાથી તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.