જામનગરમાં મહિલાના રહેણાંક મકાન પર ઇંગલિશ દારૂ અંગે દરોડો, 64 નંગ દારૂની બોટલ જપ્ત, મહિલા ફરાર
image : Freepik
Jamnagar Liquor Crime : જામનગર શહેરમાં પોલીસે ઇંગલિશ દારૂ અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા. ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી એક મહિલાના મકાન પર પોલીસે દરોડો પાડી 64 નંગ નાની ઇંગ્લિશ દારૂની બોટલ કબજે કરી છે, જ્યારે મહિલા આરોપીને ફરાર જાહેર કરાઇ છે. આ ઉપરાંત દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી બાઈક પર દારૂ સાથે નીકળેલા એક શખ્સને પોલીસે પડકારતાં બાઈક અને દારૂ મૂકીને આરોપી ભાગી છૂટ્યો છે, જેને પોલીસ શોધી રહી છે.
સૌપ્રથમ દારૂ અંગેનો દરોડો જામનગરમાં ડિફેન્સ કોલોની મકાન નંબર 306મા પાડ્યો હતો. જયાં રહેતી શીલાબેન ફ્રાન્સિસ ઉમેદ સિંહ જાડેજા કે જે પોતે મકાનમાં હાજર ન હતી, પરંતુ તેના મકાનમાંથી 64 નંગ ઇંગ્લિશ દારૂની નાની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ઇંગ્લીશ દારૂ કબજે કરી લીધો છે, અને દારૂનો ધંધો કરતી મહિલા શીલાબેન ફ્રાંસીસને ફરાર જાહેર કરી તેણીની શોધ ખોળ હાથ ધરી છે.
ઇંગ્લિશ દારૂ અંગેનો બીજો દરોડો દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી પોતાના બાઇક પર ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈને નીકળેલા હિંગળાજ ચોક વિસ્તારમાં રહેતા કમલેશ ઉર્ફે કાનો કે જેને પોલીસે રોકવાનો પ્રયત્ન કરતાં પોતાનું બાઈક છોડીને ભાગી છૂટ્યો હતો. જે બાઈકની સાથે પોલીસને 21 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો, આથી પોલીસે બાઈક અને દારૂ કબજે કર્યા છે, જ્યારે કમલેશ ઉર્ફે કાનાને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.