Get The App

જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં 'નો હોકિંગ ઝોન' મામલે વેપારીઓના આંદોલનના પગલે તંત્ર દોડતું થયું

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં 'નો હોકિંગ ઝોન' મામલે વેપારીઓના આંદોલનના પગલે તંત્ર દોડતું થયું 1 - image


Jamnagar Corporation : જામનગરના દરબારગઢ-બર્ધનચોકથી માંડવી ટાવર સુધીના વિસ્તારમાં ટ્રાફિક જામની ભારે સમસ્યા રહે છે અને સુપ્રીમ કોર્ટના 'નો હોકિંગ ઝોન' ના આદેશનો પણ ઉલાળીયો કરીને અનેક રેકડી પથારાવાળાઓ દબાણ કરીને પડ્યા પાથર્યા રહે છે. જેના કારણે સ્થાનિક વેપારીઓને અનેક પ્રકારના સંઘર્ષ થાય છે.

દરમિયાન તાજેતરમાં જામનગરના બર્ધનચોકના તમામ વેપારીઓ દ્વારા પોતાના વેપાર ધંધા બંધ રાખીને 'નો હોકિંગ જોન'ની અમલવારી કરાવવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેના પ્રત્યાઘાત રૂપે આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દોડતી થઈ હતી અને 'નો હોકિંગ ઝોન'ની અમલવારીનો પ્રારંભ કરાવ્યો હતો.

એસ્ટેટ શાખાની જુદી-જુદી ચાર ટુકડીઓ પોલીસ બંદોબસ્તની સાથે બર્ધન ચોક સહિતના વિસ્તારમાં પહોંચી હતી અને બે ટ્રેક્ટર ભરીને રેકડી-પથારા સહિતનો માલ સામાન જપ્ત કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જેના કારણે આજે ઉપરોક્ત વિસ્તારમાંથી સીટી બસ તેમજ એસટી બસ આરામથી પસાર થઈ શકી હતી. તેમજ સ્થાનિક વેપારીઓએ પણ થોડી રાહત અનુભવી હતી. 

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારીના જણાવ્યા અનુસાર દરબારગઢ સર્કલ થી માંડવી ટાવર સુધીના વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવશે અને આસપાસની શેરી ગલીઓમાં પણ જો કોઈ રેકડી, પથારાવાળા દબાણ કરી રહેલા નજરે પડશે તો તેઓનો માલ સામાન જપ્ત કરી લેવામાં આવશે.


Google NewsGoogle News