જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ સામે આવેલી હોટલ-દુકાનના રોડ પરના દબાણો એસ્ટેટ શાખાએ દૂર કર્યા
G G Hospital Jamnagar : જામનગરની સરકારી જી.જી હોસ્પિટલની સામેના ભાગમાં આવેલી હોટલ દુકાનોના સંચાલકો દ્વારા પોતાના માલસામાન બહાર રોડ પર રાખીને દબાણ કરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવતાં આજે એસ્ટેટ શાખાની ટુકડીએ દોડી જઇ 15 હોટલ સંચાલકો સામે કાર્યવાહી કરી છે, અને તેઓ માલસામાન વગેરે જપ્ત કરી લઇ દંડકીય કાર્યવાહી હાથ ધરી છે.
જી.જી.હોસ્પિટલના સામેના ભાગમાં આવેલી ચાની હોટલ, પાનના દુકાનદાર વગેરે દ્વારા પોતાની દુકાન-હોટલની બહાર રોડ પર ટેબલ મુકવામાં આવે છે, સાથો સાથ પાણીના કેરેટ વગેરે રોડ પર મૂકી દઇ દબાણ કરવામાં આવ્યું હોવાનું ધ્યાનમાં આવતાં આવા 15 હોટલ સંચાલકોનો ટેબલ, પાણીના કેરેટ સહિતનો માલ સામાન જપ્ત કરી લઈ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યો છે.
આ ઉપરાંત સોલીડ વેસ્ટ શાખાની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી, અને જી.જી.હોસ્પિટલના સામેના રોડ પર પાણી વગેરે ઢોળીને ગંદકી કરવા અંગે રૂપિયા 8,000 નો દંડ સ્થળ પર જ વસૂલવામાં આવ્યો છે.