જામનગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત વિભાગ અને વેપારી વિભાગ માટેની ચૂંટણી યોજાઇ: બપોરે 12.00 સુધીમાં 80 ટકા મતદાન
- વેપારી તેમજ ખેડૂત વિભાગના ડાયરેકટર્સની 14 બેઠકો માટે 28 ઉમેદવારો મેદાનમાં 870 મતદારો
- 'આપ'ના ઉમેદવાર ઉપરાંત ભાજપ પ્રેરિત પેનલ સાથે પક્ષના જ બે ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે.
જામનગર,તા.05 ફેબ્રુઆરી 2024,સોમવાર
ખેતી વાડી ઉત્પન્ન બજાર સમીતિ જામનગર (હાપા માર્કેટ યાર્ડ)ના 14 ડાયરેકટર માટેની ચૂંટણીમાં આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. કુલ 14 બેઠક માટે 28 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. અને બપોરે 12.00 વાગ્યા સુધીમાં 80 ટકા જેવું ભારે મતદાન થઈ ગયું છે.
હાપા માર્કેટ યાર્ડની ચૂંટણી સમરસ થાય તેવા પ્રયત્નો થયા હતાં. પરંતુ તેમાં સફળતા મળી નથી. ખેડૂત વિભાગની 10 બેઠક માટે 17 ઉમેદવારો અને વેપારી વિભાગની 4 બેઠક 11 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝુકાવ્યું છે. ખેડૂત વિભાગમાં 760 અને વેપારી વિભાગ 110 મળી કુલ 14 બેઠક માટે 870 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
આજે સોમવારે સવારે 9 વાગ્યે માર્કેટ યાર્ડમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલનાર છે. આ પછી આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. ખેડૂત વિભાગમાં ભાજપ પ્રેરીત પેનલ સામે પક્ષનાં જ બે સભ્યોએ ઉમેદવારી નોંધાવી ઉપરાંત આમ આદમી પાર્ટીનાં જીલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ પણ ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી અધિકારીઓ જીલ્લા રજીસ્ટ્રારની સિધી દેખરેખ હેઠળ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, અને હવે યાર્ડમાં સત્તા કોણ સંભાળે છે. તેનો જવાબ આવતીકાલે મતગણતરી પછી જ જાણી શકાશે.
આજે મતદાનની પ્રક્રિયા દરમિયાન બપોરે 12.00 વાગ્યા સુધીમાં ખેડૂત વિભાગની 10 સીટ માટેના નોંધાયેલા 760 ઉમેદવારો પૈકી 500 ઉમેદવારોએ મતદાન કરી લીધું હતું, અને 80 ટકા જેટલું મતદાન થઈ ગયું છે.
તે જ રીતે વેપારી વિભાગની ચાર બેઠકો માટે કુલ 110 મતદારો નોંધાયા છે, જે પૈકી 100 મત પડી જતાં 90 ટકા થી વધુ મતદાન થઈ ગયું છે.