જામનગરમાં બેડીબંદર રોડ પરથી માતબર ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઇકો કાર ચાલક ઝડપાયો, 252 ઇંગ્લિશ દારૂની બોટલ અને ઇકો કાર કબજે
Liquor Crime Jamnagar : જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પૂર્વ બાતમીના આધારે જામનગરના બેડી બંદર રોડ પરથી 252 નંગ ઇંગ્લિશ દારૂની બોટલના માતબર જથ્થા સાથે એક ઇકો કારના ચાલકને ઝડપી લીધો છે, અને 252 નંગ દારૂની બોટલ અને ઇકો કાર સહિત રૂપિયા 3.91 લાખની માલમતા કબજે કર્યો છે. દારૂનો જથ્થો મહારાષ્ટ્રના પુના થી આયાત થયો હોવાથી પુનાના સપ્લાયર તેમજ જામનગરની એક મહિલા સહિતના અન્ય ત્રણ રીસીવરને ફરાર જાહેર કરાયા છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં બેડીબંદર રોડ પર રાધે ક્રિષ્ના સોસાયટીની છેલ્લી શેરીમાં કુવા પાસે રહેતા પ્રવિણસિંહ બચુભા કેર નામના શખ્સ દ્વારા પોતાના ઘરમાંથી ઇંગ્લિશ દારૂની માતબર બોટલોનો જથ્થો કારમાં મુકવામાં આવી રહ્યો છે, અને સપ્લાય કરવા જઈ રહ્યો છે.
જે બાતમીના આધારે આજે સવારે એલસીબીની ટુકડી ત્રાટકી હતી, અને પ્રવિણસિંહ બચુભા કેરની અટકાયત કરી લઈ, તેની ઇકોકાર અને કારમાં રહેલો 252 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો વગેરે મળી રૂપિયા 3,91,400 ની માલમતા જપ્ત કરી લીધી હતી, એની સામે પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન પોતે મહારાષ્ટ્રના પુનામાં રહેતા વિનોદભાઈ નામના શખ્સ પાસેથી દારૂનો જથ્થો આયાત કર્યો હોવાથી તેને સપ્લાયર તરીકે ફરાર જાહેર કરાયો છે, ઉપરાંત આ દારૂનો જથ્થો જામનગરમાં રેલવે ફાટક પાસે રહેતા દિગુભા જીલુભા દલધુણીયા, દરેડમાં રહેતા વિશાલસિંહ જાડેજા અને જામનગરમાં પાણાખાણ વિસ્તારમાં રહેતી ભારતીબા હિંમતસિંહ કેર વગેરેએ મંગાવ્યો હોવાથી તે ત્રણેયને ફરાર જાહેર કરાયા છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.