જામનગરમાં દિગ્વિજય પ્લોટમાંથી ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારસ્તાન પકડાયું , 555 કિલો નકલી ઘી નો જથ્થો કબજે

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
જામનગરમાં દિગ્વિજય પ્લોટમાંથી ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારસ્તાન પકડાયું , 555 કિલો નકલી ઘી નો જથ્થો કબજે 1 - image


- 555 કિલો નકલી ઘીના જથ્થા સાથે એસ.ઓ.જી. ની ટિમ દ્વારા મહાજન શખ્સની પૂછપરછ હાથ ધરાઈ

જામનગર,તા.8 ડિસેમ્બર 2023,શુક્રવાર

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારસ્તાન ચલાવવામાં આવતું હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. ની ટુકડીએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને દરોડો પાડી એક મહાજન શખ્સને અટકાયતમાં લઈ તેની પૂછપરછ શરૂ કરી છે અને તેના કબજામાંથી 555 કિલો ડુપ્લીકેટ મનાતો ઘીનો જથ્થો કબજે કર્યો છે, અને એફએસએલ મારફતે લેબોરેટરીમાં મોકલી આપ્યો છે.

 આ દરોડાની વિગત એવી છે કે એસ.ઓ.જી.ની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49 માં રહેતા ચિરાગ મનસુખલાલ હરિયા નામના મહાજન શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનની અંદર બનાવટી ઘી તૈયાર કરવાનું અને તેનું ખાનગીમાં વેચાણ કરવાનું કારસ્તાન ચલાવવામાં આવી રહ્યું છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી. ની ટુકડીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને આજે સવારે ઉપરોક્ત રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો.તે દરોડા દરમિયાન મકાનમાંથી 15 કિલો, 10 કિલો અને કિટલા સહિત 555 કિલો ઘી નો જથ્થો મળી આવ્યો હતો.

આથી એસ.ઓ.જી.ની ટુકડીએ કુલ 2,65,000 ની કિંમતનો નકલી ઘીનો જથ્થો કબજે કરી લીધો છે, અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા તેના સેમ્પલ મેળવીને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે, જેનો રિપોર્ટ આવી ગયા પછી મહાજન શખ્સ સામે આગળની કાર્યવાહી હાથ ધરાશે.


Google NewsGoogle News