જામનગર તાલુકાના દરેડ ગામની પરિણીતાને દહેજભૂખ્યા સાસરિયાઓનો ત્રાસ
- રાજકોટમાં રહેતા સાસરિયાઓએ દહેજના કારણે પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢયા ની ફરિયાદ
જામનગર, તા. 17 ડિસેમ્બર 2021 શુક્રવાર
જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતી એક પરિણીતાને રાજકોટમાં રહેતા તેણીના દહેજ ભૂખ્યા સાસરિયાઓએ મારકૂટ કરી ત્રાસ ગુજારી માવતરેથી વધુ દહેજ લઈ આવવાની માગણી સાથે પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢી હોવાથી તમામ સાસરિયાઓ સામે દહેજધારા ભંગ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ફરીયાદ અંગેના બનાવની વિગત એવી છે જે જામનગર તાલુકાના દરેડમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતી સેજલબા ક્રિપાલસિંહ વાળા નામની યુવતીના લગ્ન રાજકોટમાં રહેતા ક્રિપાલસિંહ પુંજુભા વાળા સાથે થયા હતા. જે લગ્નની શરૂઆતનાં ચારેક મહીના સુધી સારી રીતે રાખ્યા પછી તેણીને માવતરે થી કરિયાવરમાં પૂરતું લાવી નથી, તેમ કહી દહેજના કારણે મારકૂટ કરી ત્રાસ ગુજારવામાં આવતો હતો.
દરમિયાન તાજેતરમાં પતિ તથા અન્ય સાસરિયાઓ દ્વારા સેજલબા ને મારકૂટ કરી ત્રાસ ગુજારી પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢી હતી, અને વધુ દહેજ લાવવાની માંગણી કરી હતી.
જેથી સેજલબા પોતાના માવતરે દરેડ આવી ગઈ હતી, અને તેણે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં પોતાના શ્વસસુર પક્ષના 6 સભ્યો સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસે પતિ ક્રિપાલસિંહ પુંજુભા વાળા, સસરા પુંજુભા ભાવુભા વાળા, દિયર મનદિપસિંહ પુંજુભા વાળા, માસાજી સસરા પ્રવિણસિંહ જાડેજા, માસીજી સાસુ મિતલબા પ્રવિણસિંહ જાડેજા, સાસુ જનકબા પુંજુભા વાળા સામે દહેજ ધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે અને તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો છે.