જામનગરમાં જોડિયાના તારાણા ગામ પાસે ગઈરાત્રે 8 વાગ્યે ટોલનાકુ શરૂ થયા પછી માત્ર બે કલાકમાં જ બબાલ
- રાત્રિના દસ વાગ્યે ટોલ ટેક્સ ભરવાના મુદ્દે ઝીંઝુડા ગામના પિતા પુત્ર સહિત ત્રણની ટોલટેક્સ મુદ્દે બબાલ
- ત્રણેય આરોપીઓ સામે બૂમ બેરીયર તોડી નાખી પબ્લિક મિલકતને નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ
જામનગર,તા.07 નવેમ્બર 2023,મંગળવાર
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામ પાસે ગઈકાલે રાત્રે 8.00 વાગ્યે ટોલનાકુ શરૂ થયું હતું, જેના માત્ર બે કલાકમાં જ બબાલ થઈ છે. ઝીંઝુડા ગામના પિતા પુત્ર સહિતના ત્રણ આરોપીઓએ કારમાં આવીને ટોલટેક્સ ભરવાના મુદ્દે તકરાર કર્યા પછી ટેક્સ નહીં ભરી બુમ બેરીયર તોડી નાખી પબ્લિક પ્રોપર્ટી સહિતની મિલકતને નુકસાન પહોંચાડયાની ફરિયાદ જોડિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના તારાણા ગામ પાસે ગઈકાલે રાત્રિના આઠ વાગ્યાથી ટોલનાકુ શરૂ કરાયું હતું, અને ટોલટેક્સ ઉઘરાવવાનું શરૂ કરાયું હતું. ત્યાં જુનાગઢ જિલ્લાના કેશોદ ગામના મિલનભાઈ પરબતભાઈ વાઢિયા દ્વારા ટોલટેક્સ ઉઘરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી હતી.
જે દરમિયાન ઝીંઝુડા ગામના વતનીને મેમૂદ સીદીકભાઈ દલ, ઈકબાલ સીદીકભાઈ દલ અને સીદિકભાઈ જાકુબભાઈ દલ કે જેઓ જી.જે.10- સી.એન.7586 નંબરની કાર લઈને ત્યાંથી પસાર થયા હતા, અને રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ટોલ ટેક્સ ભરવા બાબતે કર્મચારી સાથે બબાલ કરી હતી.
ત્યારબાદ તેઓએ ટોલનાકાના સ્ટાફને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, અને હજી રોડનું કામ પૂરું નથી થયું ત્યાં જ ટોલટેક્સ શું કામ ઉઘરાવો છો, તેમ કહી બુમબરાડા પાડીને ધમાલ મચાવી હતી. ત્યારબાદ ટોલટેક્સ ભર્યા વિના ટોલનાકાની બૂમ બેરિયરને તોડી નાખી 28000 નું નુકસાન પહોંચાડ્યું હતું.
સમગ્ર મામલો જોડીયા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે મિલનભાઈ વાઢીયાની ફરિયાદના આધારે સીદીકભાઈ અને તેના બે પુત્રો સામે આઇપીસી કલમ 504, 506-2, 427, 114 તેમજ પ્રાઇવેટ ઓફ ધ ડેમજ પબ્લિક પ્રોપર્ટી એક્ટ 1984 ની કલમ 3 મુજબ ગુનો નોંધ્યો હતો, અને ત્રણેય આરોપીઓની અટકાયત કરી લઇ કાર પણ કબજે કરી લીધી છે.