ધ્રોલ તાલુકાના જાયવા ગામની સીમમાંથી પરિવારથી વિખૂટી પડેલી અસ્થિર મગજની બાળકીનો ધ્રોલ પોલીસે પરિવાર સાથે મેળાપ કરાવ્યો
જામનગર,તા.13 સપ્ટેમ્બર 2023,બુધવાર
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામની એક અસ્થિર મગજની 14 વર્ષની તરુણી પોતાના પરિવારથી વિખુટી પડી હતી. જેના વાલી વારસદારોને ધ્રોલ પોલીસે શોધી કાઢ્યા હતા, અને બાળકીનું ફરીથી પરિવારજનો સાથે મિલન કરાવી આપ્યું હતું.
ધ્રોલ પોલીસ સ્ટેશન હેઠળના મોટા વાગુદડ ગામમાં 181 અભિયાન હેલ્પલાઇનની ટીમને કોલ આવ્યો હતો કે 14 વર્ષની એક બાળા એકલી ફરી રહી છે, અને તે માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી અભયમની ટીમે બાળકીનો કબ્જો લઈ ધ્રોળ પોલીસ મથકે લઈ આવ્યા હતા, અને ધ્રોળના પીએસઆઇ પી.જી.પનારાને સુપ્રત કરાયો હતો. દરમિયાન એક પોલીસ ટુકડીએ ધ્રોલ તાલુકાના વાગુદડ વિસ્તારમાં ફરી વળી બાળકીના માતા-પિતાને શોધી કાઢ્યા હતા. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ધ્રોળ તાલુકાના જાયવા ગામની સીમમાં પરસોત્તમભાઈ રામાણીની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા સવેસિંગભાઈ વસુનિયા તેમજ તેની પત્ની શરમાબેનને શોધી કાઢી બાળકી સાથે મિલાપ કરાવી દીધો હતો.
બાળકીની ઉંમર ચૌદ વર્ષની હતી. પરિવારજનોએ બાકીનો પતો મળી જતાં પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.