જામનગર : ધ્રોળના મોટા ઈટાળા ગામમાં સાઇટ પર ચેકીંગમાં ગયેલા R&B ના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર પર કોન્ટ્રાક્ટરનો જીવલેણ હુમલો

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
જામનગર : ધ્રોળના મોટા ઈટાળા ગામમાં સાઇટ પર ચેકીંગમાં ગયેલા R&B ના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર પર કોન્ટ્રાક્ટરનો જીવલેણ હુમલો 1 - image

image : Freepik

Jamnagar Crime : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા ઇટાળા ગામમાં એક સાઇટ પર કામ ચાલી રહ્યું હતું, જે સ્થળે નિરીક્ષણ માટે ગયેલા આરએનબી વિભાગના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર પર કોન્ટ્રાક્ટરે અચાનક હુમલો કરી દેતાં ભારે દોડધામ થઈ હતી.

એટલું જ માત્ર નહીં, અધિકારીને કારની નીચે કચડી નાખવાનો પ્રયાસ કરી કોન્ટ્રાક્ટરે તેના 6 થી 7 સાગરીતોની મદદથી ધોકા વડે હુમલો કરી ઘાયલ કરી દીધા હતા. જે મામલે ધ્રોળ પોલીસ મથકમાં કોન્ટ્રાક્ટર અમિત ઝાલા અને તેના સાગરીતો સામે નાયબ કાર્યપાલક ઈજનેરની હત્યાનો પ્રયાસ કરવા અંગે તેમજ ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધાવામાં આવી છે. સમગ્ર મામલે ધ્રોળ પોલીસ તપાસ ચલાવે છે.

ધ્રોલ પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર નિલેશરાજ સિંહ બારડ કે જેઓ નવા બંધાઈ રહેલા બ્રિજની સાઈટની વિઝીટ પર ગયા હતા, જ્યાં કામ સારું થતું ન હોવાથી અને સિમેન્ટના ઉપયોગ મામલે જરૂરી સૂચના આપવા જતા હાજર રહેલા કોન્ટ્રાક્ટર અમિત ઝાલાએ તકરાર કરી ઝપાઝપી કરી હતી. જેણે ધમકી આપી હતી, કે તમને અહીં જમીનમાં દાટી દેવા છે. જેથી તેઓના ભયના કારણે અધિકારી ગામ તરફ ભાગવા જતાં કોન્ટ્રાક્ટરે પોતાની ક્રેટા કાર લઈને અધિકારીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

જેથી તેઓ દોડીને ઓટલા પર ચડી ગયા હતા. દરમિયાન કોન્ટ્રાક્ટર અમિત ઝાલા અને તેના છ થી સાત સાગરીતો લાકડાના ધોકા સાથે ધસી આવ્યા હતા અને આડેધડ હુમલો કરી દીધો હતો. જેમાં હાથ-પગ, પીઠ અને માથાના ભાગે ઇજા થઈ હતી. જેથી તેઓને ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવી પડી હતી. ત્યારબાદ મામલો ધ્રોળ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કોન્ટ્રાક્ટર અમિત ઝાલા અને તેના 6 થી 7 સાગરીતો સામે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

જે ફરિયાદના અનુસંધાને ધ્રોલ પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અને હાલમાં તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ હાથ ધરાઈ છે. સમગ્ર મામલે ધ્રોળના પી.એસ.આઇ વધુ તપાસ ચલાવી રહ્યા છે.


Google NewsGoogle News