જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ: ભેજનું પ્રમાણ 100 ટકા થઈ જતાં ઝાકળભીની સવાર
image : Filephoto
- વહેલી સવારે ભારે ઝાકળના કારણે માર્ગો પરથી પાણીના રેલા ઉતર્યા: વહેલી સવારે અનેક વાહનો સ્લીપ થઈ જવાની ઘટના:પવન વધ્યો
જામનગર,તા.02 ફેબ્રુઆરી 2024,શુક્રવાર
જામનગર શહેર અને જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે પણ ગાઢ ધુમસ છવાયેલું રહ્યું છે, અને ઝાકળભીની સવાર થઈ છે. ભેજનું પ્રમાણ 100 ટકા થઈ જતાં માર્ગો પરથી પાણીના રેલા ઉતર્યા હતા, અને અનેક સ્થળે વાહનો સ્લીપ થવાની ઘટના બની હતી.
જામનગર શહેરના અનેક વિસ્તારોમાં ઝાકળના વરસાદના કારણે માર્ગો ભીંજાયા હતા, અને પાણીના રેલા ઉતરેલા જોવા મળ્યા હોવાથી સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ વગેરેમાં સ્લીપ થવાની ઘટના બની હતી, અને થોડે દૂર સુધી પણ જોવું દુષ્કર બન્યું હતું. મોટા વાહન ચાલકોએ હેડલાઈટ અને વાઇપર ચાલુ રાખીને વાહનો ચલાવવાનો વારો આવ્યો હતો. જોકે ઠંડી નો ચમકારો ઘટયો છે, જેથી ઠંડીમાં રાહત જોવા મળી રહી છે.
જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24.0 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 18 ડિગ્રી, જયારે મહત્તમ તાપમાન 29.8 ડીગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 100 ટકા થઈ ગયું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 30.0 કિ.મી ની ઝડપે રહી છે.