જામનગરના રણજીતસાગર ડેમમાં આવેલી પંજુપીર નામની દરગાહનું ભારે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન
Demolition of Dargah : જામનગરના રણજીતસાગર ડેમ વિસ્તારમાં ગેરકાયદે ઊભી કરી દેવાયેલી પંજુપીર નામની દરગાહને ગઈકાલે તંત્ર દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરીને દૂર કરી લેવામાં આવી હતી, અને તમામ પ્રકારનું ધાર્મિક દબાણ સાથેનું બાંધકામ દૂર કરી લેવાયું હતું. ડેમનું પાણી ઓછું થતાં ઉપરોક્ત મજાર બહાર દેખાયા પછી તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગરની અલગ અલગ સંસ્થાઓ દ્વારા આ મામલે વિરોધ પણ દર્શાવાયો હતો.
જામનગરના રણજીતસાગરમાં ગેરકાયદેસર રીતે પંજૂપીર નામે મજાર ઊભી કરી લેવાઈ હતી. રણજીતસાગર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં અગાઉના વર્ષો દરમિયાન પાણીની માત્રા ઘટી જાય અને ડેમનો વિસ્તાર ખુલ્લો રહે, તે સમયમાં ધીમે ધીમે ધાર્મિક દબાણ શરૂ થયું હતું. શરૂઆતમાં એક મજાર હતી, પરંતુ પાછળથી ત્યાં ત્રણથી ચાર અવેધ મજારો ખડકી દેવાઈ હતી. જે મામલે હિન્દુ સેના દ્વારા તેમજ અન્ય સંસ્થા દ્વારા મજાર દૂર કરવા એક થી વધુ વખત સરકાર પાસે રજૂઆત કરાઈ હતી.
ત્યારબાદ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી, અને તે તપાસના અંતે આ મજાર સહિતનું ધાર્મિક દબાણ ગેરકાયદે હોવાનું ફલિત થયું હતું, અને અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ પછી ત્યાં પાણી ઘટશે, ત્યારે કાર્યવાહી થશે તેમ જણાવાયું હતું.
દરમિયાન ગઈકાલે જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત સાથે બપોરે 4.00 વાગ્યા બાદ ડેમમાંથી ધાર્મિક સ્થળનું દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, અને મોડી સાંજ સુધીમાં તમામ દબાણ દૂર કરીને રણજીત સાગર ડેમની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. જેમાં કેટલીક સરકારી થાંભલા સહિતની મિલકતો પણ જોવા મળી હતી, અને તંત્ર દ્વારા તે વસ્તુઓ કબજે કરવાની પણ કાર્યવાહી ચાલી રહી છે.
આ ઓપરેશન બાબતે મહાનગરપાલિકાના તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા ભારે ગુપ્તતા રાખવામાં આવી હતી, અને ગણતરીના કલાકોમાં જ સમગ્ર દબાણ દૂર કરી લેવાયું હતું. જેના કોઈ વધુ પ્રત્યાઘાતો ન પડે, તે માટે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ દ્વારા હાલ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.