જામનગરમાં તહેવારો દરમિયાન ખાણીપીણીની લારીઓ ચાલુ કરાવવા માંગણી : નહીં તો શહેરની હોટલ રેસ્ટોરન્ટને પણ બંધ કરાવવા રજૂઆત
Jamnagar News : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે માત્રને માત્ર રસ્તા પર ઊભા રહેતા ખાણીપીણીના લારી ગલ્લા બંધ કરાવ્યા છે, અને તેઓની રોજી રોટી છીનવાઈ છે. જ્યારે શહેરની તમામ હોટલ રેસ્ટોરન્ટ વગેરે પુર જોશમાં ધમધમે છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ એવો સવાલ કર્યો છે, કે જામનગરમાં રોગચાળો માત્ર લારીગલાનું ફૂડ ખાવાથી થાય છે?.
આજે રચનાબેન નંદાણીયા ખાણીપીણીના લારી-ગલ્લા વાળાઓને સાથે રાખીને જામનગરના મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે. ઘણા સમયથી શહેરમાં લારી ગલ્લાઓ રોગચાળાના કારણે બંધ કરાવી દેવાયા છે. શ્રાવણ માસના તહેવારના દિવસો ચાલી રહ્યા છે, અને તમામ ધંધાર્થીઓની રોજી રોટી છીનવાઈ છે. ત્યારે તમામ જરૂરી સૂચના આપીને તેઓના ધંધા ચાલું કરાવવા માંગણી કરી છે.અન્યથા જામનગરની હોટલ રેસ્ટોરન્ટ, કે જેઓને કોઈપણ પ્રકારના બંધના આદેશ કરાયા નથી અને તમામ હોટલ વગેરે ધમધમે છે. જો રેકડીને ચાલુ કરાવવા દેવામાં ન આવે, તો હોટલ રેસ્ટોરન્ટને પણ બંધ કરાવી દેવામાં આવે, તેવી પણ આ સાથે રજૂઆત કરવામાં આવી છે.