જામજોધપુરમાં રેલવે સ્ટેશન રોડ પર વેપારીને પતાવી દેવાની ધમકી : ખેડૂત સહિત બે સામે ફરિયાદ
Death Threat Case in Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુર કપાસિયાની દુકાન ચલાવતા એક વેપારીને કાર અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ખેડૂતે અને તેના અન્ય એક સાગરીતે વેપારીને ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
જે પોલીસ ફરિયાદમાં જણાવાયા અનુસાર જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામમાં રહેતા અને જામજોધપુર ટાઉનમાં રેલવે સ્ટેશન રોડ પર ખોળ કપાસીયાની દુકાન ચલાવતા દિવ્યરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજાએ પોતાને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે જામજોધપુરના ટ્રેક્ટર ચાલક ખેડૂત કિશોરભાઈ ડઢાણીયા અને તેના સાથેના પારુલભાઈ જાવીયા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ખોડ કપાસના વેપારી દિવ્યરાજસિંહ જાડેજા, કે જેઓએ પોતાની દુકાનની બહાર બ્રેઝા કાર પાર્ક કરી હતી, અને પોતાની દુકાનમાં વેપાર કરી રહ્યા હતા, જે દરમિયાન ત્યાંથી આરોપી કિશોર ડઢાણીએ પોતાનું ટ્રેકટર લઈને પસાર થયો હતો અને તેનું ટ્રેક્ટર કાર સાથે અથડાતાં કારમાં ગોબો પડ્યો હતો, અને નુકસાની થઈ હતી.
જે અંગે ટ્રેકટરચાલક સાથે વાતચીત કરવા જતાં ટ્રેક્ટર ચાલક કિશોર ડઢાણિયા ઉસ્કેરાયો હતો, અને પોતાના સાગરીત પારૂલ જાવિયાને બોલાવીને વેપારીને ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપી હતી. જેથી મામલો જામજોધપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બંને આરોપી સામે ફરિયાદ નોંધાવાઈ છે.