જામનગર નજીક દરેડની નદીમાં સંખ્યાબંધ માછલાઓના મૃત્યુ થી જીવદયા પ્રેમીઓમાં ભારે કચવાટ

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
જામનગર નજીક દરેડની નદીમાં સંખ્યાબંધ માછલાઓના મૃત્યુ થી જીવદયા પ્રેમીઓમાં ભારે કચવાટ 1 - image


- પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી દ્વારા સ્થાનિક જગ્યાએ પહોંચી જઈ પાણી સહિતના નમુનાઓ એકત્ર કરાયા

- આસપાસના વિસ્તારના ઔદ્યોગિક  એકમો દ્વારા છોડાતા પાણીના કારણે માછલાઓના મૃત્યુ થઈ રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

જામનગર,તા.08 નવેમ્બર 2023,બુધવાર

જામનગર શહેરની ભાગોળે આવેલી દરેડ ગામની રંગમતી નદીમાં સંખ્યાબંધ માછલાઓ મરી જવાની ઘટના સામે આવતાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હરકતમાં આવ્યું હતું. આ ઘટનાના પગલે પ્રાદેશિક અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, અને નદીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પાણીના નમુના લેવામાં આવ્યા હતા. ઉદ્યોગિક વિસ્તારમાંથી પસાર થતી નદીમાં કયા કારણોસર માછલા મરી ગયા છે, તેનું કારણ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. પરંતુ સંખ્યાબંધ માછલીઓના મૃત્યુના પગલે પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે.

જામનગર નજીક દરેડની નદીમાં સંખ્યાબંધ માછલાઓના મૃત્યુ થી જીવદયા પ્રેમીઓમાં ભારે કચવાટ 2 - image

જીઆઇડીસી સામે આવેલા નદીમાં જથ્થાબંધ માછલાંઓ મરી જવાનો મામલો

જામનગર શહેરના લાલપુર રોડ પર આવેલી દરેડ ગામની રંગમતી નદીમાં સંખ્યાબંધ માછલાઓ મૃત્યુ પામ્યા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના પગલે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હરકતમાં આવ્યું હતું શહેરની જી.પી.સી.બી. કચેરીના પ્રાદેશિક અધિકારી કલ્પનાબેન પરમાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. દરેડ ગામે આવલા ખોડીયાર મંદિર પાછળના રંગમતી નદીના ભાગે વ્યાપક માછલાઓ મરેલા નજરે પડ્યા હતા. જીપીસીબીની ટીમે સ્થળનું નિરીક્ષણ કરી જે સ્થળે માછલાઓ મરેલા મળી આવ્યા હતા, ત્યાંથી જુદા જુદા ત્રણ પાણીના નમૂના લેવામાં આવ્યા છે.

 જીપીસીબીના પ્રાદેશિક અધિકારી કલ્પનાબેન પરમારના જણાવ્યા અનુસાર હાલ તો માછલીઓના મૃત્યુ અંગે ચોક્કસ કહી શકાય નહીં, પરંતુ જે પાણીના નમૂના લેવામાં આવ્યા છે. તે પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવશે, અને આ પાણીનો એક સપ્તાહ બાદ રિપોર્ટ આવ્યા બાદ માછલાંઓના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળશે. બીજી તરફ સ્થાનિકોના કથન મુજબ રંગમતી નદીમાં ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા કારખાનાઓમાંથી પાણી છોડવામાં આવે છે. કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણીના કારણે માછલીઓના મૃત્યુ થયા હોવાની સ્થાનિક ગ્રામજનોએ ફરિયાદો કરી હતી. જો કે આ આક્ષેપમાં કેટલો દમ છે? તે પાણીના નમૂનાઓનો રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.


Google NewsGoogle News