જામજોધપુરના બાલવા ગામમાં દલિત યુવાન પર છરી અને લોખંડના પાઇપ પડે હુમલો કરી હડઘૂત કરાયો
Crime News Jamnagar : જામજોધપુર તાલુકાના બાલવા ગામના યુવાન પર જુની અદાવતનું મન દુઃખ રાખીને ચાર શખ્સોએ છરી અને લોખંડ પડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડયાની તેમજ દલિત જ્ઞાતિના હોવાથી હડધૂત કરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા ભાવેશ રાણાભાઇ ચુડાસમા નામના 34 વર્ષના યુવાને પોતાના ઉપર છરી તથા લોખંડના પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમજ પોતે દલિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધુત કરવા અંગે ઇમરાન ઉર્ફે ભૂરો હાજીભાઈ, શાહરુખ જુમાભાઈ, સુલતાન જુમાભાઈ, અને સદ્દામ જુમાભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના ભાઈ દીપકભાઈએ આજથી ત્રણ વર્ષ પહેલાં ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી, ઉપરાંત તે ફરિયાદના અનુસંધાને ફરિયાદી યુવાને ફરીથી પોલીસમાં અરજી કરી હતી. જેનું મનદુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.