જામનગર નજીક જાંબુડા પાસે બાઈક અને રીક્ષા છકડા વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર દંપતિ ઘાયલ
જામનગર,તા.19 જાન્યુઆરી 2024,શુક્રવાર
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર જાંબુડા પાટીયા પાસે બાઈક અને રીક્ષા વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર જામનગરના દંપત્તિને ઇજા થઈ છે, અને સારવાર અપાઇ છે. પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબનગર નજીક તાડીયા હનુમાન મંદીર પાસે રહેતા કિશોરભાઈ પરસોત્તમભાઈ પરમાર નામના 44 વર્ષના વેપારી યુવાન અને તેના પત્ની માધવીબેન, કે જેઓ ગઈકાલે પોતાનું બાઈક લઈને જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર જાંબુડા પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.
તે દરમિયાન પુરપાટ વેગે આવી રહેલા એક અજાણયા રીક્ષાના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલક કિશોરભાઈ તથા તેના પત્ની માધવીબેનને ફ્રેકચર સહિતની નાની મોટી ઈજા થવાથી જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી હોસ્પિટલને દોડી ગયો હતો અને કિશોરભાઈ પરમારની ફરિયાદના આધારે રીક્ષા ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.