જામનગરમાં ખખડધજ રોડ, ભ્રષ્ટ્રચાર અને રખડતા ઢોર સહિતના પ્રશ્ને કોંગ્રેસની મેયરને રજુઆત
Jamnagar Congress : ખખડધજ રોડ, ભ્રષ્ટાચાર, રખડતા ઢોર સહિતના મુદ્દે જામનગરવાસીઓ પીડાઈ રહ્યા છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતી હોવાથી જામનગર કોંગ્રેસ દ્વારા પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાની હેઠળ મેયરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆતમાં જણાવ્યું કે જામનગર જે સૌરાષ્ટ્રનું પેરીસ તરીકે ગણાતું અને છોટીકાશી તરીકે જેને બિરદાવવામાં આવે છે એ ભાજપ શાસિત જામનગર આજે ખાડાનગર અને ગંદકી નગર તરીકે જાણીતું થયું છે. જેનો શ્રેય ભાજપ શાશિત જામનગર મહાનગરપાલિકાને જાય છે. આ સમસ્યા મુદ્દે જામનગરના પ્રથમ નાગરિક તરીકે આપ કેમ મૌન છો ? તેવો કોંગ્રેસ દ્વારા મેયરને અણીયારો સવાલ કરાયો હતો.
વધુમાં જણાવ્યું કે જામનગર શહેરમાં વરસાદ પડવાથી જામનગરના તમામ રસ્તાઓમાં મસ-મોટા ખાડા પડ્યા છે. કઠણાઈ તો એ છે કે 1 મહિનો વરસાદ ગયા છતાં કોઈપણ જાતના પેચવર્ક કે આ ખાડા બુરવામાં આવ્યા નથી. પરિણામે અકસ્માત પણ થઈ છે. આ ઊપરાંત તળાવમાં બ્યુટીફકિશનના નામે જે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. વારંવાર આ રજૂઆત જામનગર કમિશનર તથા લગત અધિકારીને ટેન્ડર પ્રક્રિયા મુજબ કામ ન થતું હોય અને આજે પણ તમારી આંખ નીચે આ તળાવનું ભ્રષ્ટાચારનું કામ ચાલુ છે. છતા પણ આપ મૌન છો?
કોંગ્રેસે આક્ષેપો સાથે કહ્યું કે ભાજપ શાશિત જામનગર મહાનગરપાલિકાના તમામ શાખાઓ જ્યાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ના બન્યું હોય એવું નથી. જામનગરની આરોગ્ય શાખા, સિવિલ શાખા,ટી.પી.ઓ.,એસ્ટેટ શાખા, સોલીડ વેસ્ટ શાખા જ્યાં ભ્રષ્ટાચાર કરવા માટેની હરીફાઈ ચાલે છે.તેવો ઘાટ સર્જાયો છે. રજૂઆતના અંતે કોંગ્રેસે ચીમકી આપી કે આપ તાત્કાલિક જામનગર જનતાને આ સમસ્યામાંથી નહિ ઉગારો તો કચેરીએ આંદોલન કરવાની ફરજ પડશે.