જામનગરના મયુર નગર આવાસ વિસ્તારમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે છેડતીના મામલે તકરાર
Image: Freepik
જામનગરમાં મયુરનગર આવાસમાં બે પડોશીઓ વચ્ચે છેડતી ના મામલે તકરાર થઈ હતી, અને એક શખ્સ છરી લઈને પાડોશીના ઘરમાં ઘસી ગયો હતો, અને પાડોશી દંપતિ- તેની પુત્રી અને અઢી વર્ષની માસુમ દોહિત્રી પર છરી વડે હુમલો કરી દેતાં ચારેયને લોહી લુહાણ હાલતમાં જીજી હોસ્પિટલમાં ખસેડાયા હતાઝ અને તમામને ટાંકા લેવા પડ્યા છે. પોલીસે હુમલાખોર આરોપી સામે ગુનો નોંધ્યો છે, જયારે તેણે પોતાની પત્નીની છેડતી કરવા અંગે વળતી ફરિયાદ નોંધાવી છે.
જામનગરના મયુરનગર આવાસ વિસ્તારમાં ભારેચાર જગાવનારા આ બનાવની વિગત એવી છે કે મયુર નગર આવાસના બ્લોક નંબર ૧૯, રૂમ નંબર ૮ માં રહેતા અને માછીમારી કરતાં રજાકભાઈ સાલેમહમદભાઈ ભગાડ નામના ૫૦ વર્ષના આધેડે પોતાના ઉપર તેમજ પોતાની પત્ની શિરીનબેન, પુત્રી રોશનબેન અને અઢી વર્ષની દોહિત્રી મદીનાબાનું પર છરી વડે હુમલો કરી ચારેય ને લોહીલુહાણ કરી નાખવા અંગે પાડોશમાજ રહેતા રાયમલ હાજીભાઈ ધૂંધા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
જે ચારેય ને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને ચારેય ને ટાંકા લેવા પડ્યા છે. જેમાં ફરિયાદી રઝાકભાઈને વધુ ઈજા થઈ છે, અને ભારે રક્તસ્ત્રાવ થઈ ગયો હતો.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી પોતાના ઘરમાં છરી લઈને ધસી આવ્યો હતો, અને તમારા પુત્રએ મારી પત્નીની છેડતી કરી છે તેમ કહી શંકા કરી આ હુમલો કરી દીધો હતો.
ઉપરાંત આરોપી રાયમલ હાજી ધૂંધા દ્વારા પોતાની પત્નીની છેડતી અંગેની રજાકભાઈ ના પુત્ર સામે વળતી ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે સિટી સી. ડિવિઝનના મહિલા પીએસઆઇ એમ.વી. દવે વધુ તપાસ ચલાવી રહ્યા છે.